વર્ષોની સેવા પછી અધ્યક્ષ પદ પરથી નિવૃત્ત થતા પૂર્વ ચેરમેન શ્રી જોગીન્દર સેંગરને ભવ્ય ઉજવણી સાથે વિદાય આપવા એક અભિવાદન સમારોહનું આયોજન ધ ભવન, લંડન દ્વારા

કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી મત્તુર નંદકુમારની પ્રાર્થના સાથે થઈ હતી તો ભવનના નવા અધ્યક્ષ શ્રી સુભાનુ સક્સેનાએ ઉષ્માભર્યું સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે ઘણા દાયકાઓ સુધીના નેતૃત્વ અને ભવનની નિઃસ્વાર્થ સેવા માટે જોગીન્દરજીનો આભાર વ્યક્ત કર્યો હતો. દલાલ જી અને જોગીન્દર જી દ્વારા તૈયાર કરાયેલા માર્ગ પર ચાલવું એ એક મોટો પડકાર છે એમ તેમણે જણાવ્યું હતું.

શ્રી વીરેન્દ્ર શર્મા (સંસદ સભ્ય), લોર્ડ ધોળકિયા ઓબીઇ પીસી (ધ ભવન યુકેના પેટ્રન), લોર્ડ સ્વર્જ પોલ પીસી (ધ ભવન યુકેના પેટ્રન), બેરી ગાર્ડનર એમપી, સીમા મલ્હોત્રા એમપી, શ્રી વરિન્દર સિંઘ (એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર, ધ ભવન યુકે), શ્રી ગોપીચંદ હિન્દુજા (ઉદ્યોગપતિ)એ પ્રાસંગીક પ્રવચન કરી જોગીન્દરજીની દોષરહિત વ્યવસાયિક સમજ, નમ્રતા, મદદ કરવાની તત્પરતા અને મિત્રતાના ગુણોની સરાહના કરી હતી. સૌએ તેમની દેખરેખ હેઠળ, ભવનમાં થયેલી નોંધપાત્ર નાણાકીય વૃદ્ધિ અને વાર્ષિક દિવાળી ભોજન સમારંભોની સરાહના કરી હતી.

ભવનના પ્રમુખ શ્રી મહેતા અને મહાનિર્દેશક દસ્તુરજીએ જોગીન્દરજીનો તેમની સેવાઓ બદલ આભાર માની શુભેચ્છા પાઠવી હતી તેમજ ભવનના નવા અધ્યક્ષ તરીકે સુભાનુનું સ્વાગત કર્યું છે.

શ્રી જોગીન્દર સેંગરે અભિવાદનનો પ્રતિસાદ આપી ધ ભવનની લાંબી મુસાફરીની યાદો તાજી કરી જણાવ્યું હતું કે ‘’મને લાગ્યું હતું કે ભવનની સેવા કરવી એ સૌથી મોટું સન્માન છે. ભવન  એક એવી જગ્યા છે જ્યાં આપણી સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ અને આદર ધરાવનાર દરેકનું હંમેશા ખુલ્લેઆમ સ્વાગત કરવામાં આવે છે. તમને લાગ્યું હતું કે ભવનની સેવા કરીને હું પોતાની સેવા કરી રહ્યો છું.’’

શ્રી ઇન્દ્ર સેઠિયા (એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર, ધ ભવન યુકે) તરફથી શ્રી જોગીન્દર સેંગરને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતા સંદેશાનું ડૉ. નંદકુમાર દ્વારા વાચન કરાયું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ‘’હું 1977માં એક્ઝિક્યુટિવ કમિટીમાં જોડાયો ત્યારે દરેક માસિક EC મીટિંગમાં અડધો સમય તો ટકી રહેવા અને વધુ વિદ્યાર્થીઓને આકર્ષવા માટે ભંડોળ કેવી રીતે એકત્ર કરવું તેના પર જ વપરાતો. પરંતુ જોગીન્દરજીના આગમન બાદ ભવનમાં ક્યારેય પૈસાની સમસ્યા ઉભી થઇ નથી. ત્યાર બાદ ભવન ખરેખર વિકાસ કરી શક્યું અને ઝડપથી ઉચ્ચ વર્ગના શિક્ષકો સાથે એક પ્રોફેશનલ સંસ્થા બની ગઇ છે. તેમની અદ્ભુત નમ્રતા અને ઉદારતાને કારણે, તેમણે ધ ભવન માટે શું કર્યું છે તેની ક્યારેય નોંધ રખાઇ નથી. તેમણે દિવાળીના ભોજન સમારંભનો વિચાર સૂચવી ખાતરી રાખી હતી કે તેઓ દર વર્ષે લગભગ £50,000ની આવક ટેબલોના વેચાણ, સોવેનીયર્સની જાહેરાતો દ્વારા ઉભી કરતા. તેઓ ચેરમેન તરીકે દાતાઓને ફોન કરતા અને સવિનય કેટલા ટેબલ અને દાનની રકમ ફાળવી છે તે જણાવી દાન મેળવતા. કેટલાક સંજોગોમાં તો તેઓ જાતે જ દાતા પાસેથી ચેક મેળવવાની વ્યવસ્થા કરતા. તેમના સંપર્કોને કારણે ભવનની ફીક્સ ડીપોઝીટને વધુ સારો વ્યાજનો દર મળતો. તેઓ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે આપણી આગામી પેઢીઓ તેમની ભવ્ય ભૂતકાળની પરંપરાઓ સાથે સંપર્ક જાળવી રાખે. તેમના મતે ભવનનું કામ એ ભગવાનનું પોતાનું કાર્ય હતું. તેને કારણે જ ભવનને દલાલ જી, માથુર જી, જોગીન્દર જી અને નંદા જી જેવા લોકો મળ્યા છે.’’

ડૉ. સુરેખા મહેતા (વાઈસ-ચેર, ધ ભવન યુ.કે.)એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ભવનના વિદ્યાર્થીઓ દ્વારા નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો અને સૌએ સાથે રાત્રિભોજન લીધું હતું.

LEAVE A REPLY