Shri Krishna Janmabhoomi dispute, Court orders survey of mosque complex
મથુરામાં શ્રી ક્રૃષ્મ જન્મસ્થાન મંદિર સંકુલ અને શાહી ઇદગાહ મસ્જિદ. આ મસ્જિદ શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર મંદિર તોડીને ઓરંગઝેબે બનાવી હોવાનો હિન્દુ પક્ષનો દાવો છે. (ANI Photo)

કાશી પછી હવે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ માટે કાનૂની લડાઈનો પ્રારંભ થયો છે. મથુરાની જિલ્લા અદાલતે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદમાં શાહી ઇદગાહ મસ્જિદ સંકુલનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે અને તેનો રીપોર્ટ 20 જાન્યુઆરીએ સુપરત કરવાની તાકીદ કરી છે. કોર્ટનો આ આદેશ હિન્દુઓની તરફેણમાં માનવામાં આવે છે. હિન્દુ પક્ષની દલીલ છે કે શાહી ઇદગાહ મસ્જિદ ભગવાન કૃષ્ણની જન્મભૂમિ પર બાંધવામાં આવી છે અને તેને બીજે ખસેડવામાં આવે.

અરજદારોના વકીલ શૈલેષ દુબેએ શનિવારે જણાવ્યું હતું કે સિવિલ જજ સિનિયર ડિવિઝન (III) સોનિકા વર્માનો આદેશ બાલ કૃષ્ણ અને અન્ય વિરુદ્ધ ઇન્તેઝામિયા કમિટી અને અન્યના દાવામાં આવ્યો હતો. વકીલે જણાવ્યું હતું કે ન્યાયાધીશે 8 ડિસેમ્બરના રોજ મહેસૂલ વિભાગના અધિકારીને બંને પક્ષોને જાણ કરવા અને આગામી સુનાવણી પર સર્વેક્ષણ અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

આ કેસની સુનાવણી 22 ડિસેમ્બરે થવાની હતી, પરંતુ ન્યાયાધીશ રજા પર હોવાથી સુનાવણી થઈ શકી ન હતી. કોર્ટે હવે સુનાવણીની નવી તારીખ 20 જાન્યુઆરી 2023 નિર્ધારિત કરી છે.

વકીલે જણાવ્યું હતું કે બાલ કૃષ્ણ અને અન્ય અરજદારોએ 8 ડિસેમ્બરે સિવિલ જજ સિનિયરની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને શાહ ઇદગાહને બીજે ખસેડવાની માગણી કરી હતી. અરજદારે દાવો કર્યો હતો કે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા કથિત રીતે કટરા કેશવ દેવ મંદિરને તોડીને શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની 13.37 એકર જમીનના ભાગ પર શાહી મસ્જિદ ઇદગાહનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

વકીલોના જણાવ્યા અનુસાર 1968માં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન અને શાહી મસ્જિદ ઇદગાહ વચ્ચે થયેલી સમજૂતીને પણ આ દાવામાં પડકારવામાં આવી છે.

LEAVE A REPLY

3 × four =