કેકે તરીકે જાણીતા લોકપ્રિય બોલિવૂડ સિંગર ક્રિષ્ણકુમાર કુન્નથનું કોલકતામાં મંગળવાર રાત્રે અવસાન થયું હતું. (ANI Photo/West Bengal Police twitter)

કોલકાતા કોન્સર્ટ દરમિયાન એકાએક તબિયત લથળ્યા થયા બાદ બોલિવૂડ ગાયક કેકેનું મંગળવારની રાત્રે અવસાન થયું હતું. કેકે તરીકે લોકપ્રિય કૃષ્ણ કુમાર કુન્નથ માત્ર 53 વર્ષની ઉંમરે આ દુનિયાને આકસ્મિક અલવિદા કરી હતી.

કોન્સર્ટ બાદ કેકેની તબિયત બગડી હતી અને હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે.
કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં બુધવારે કેકેના અપમૃત્યુનો એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેકે કોલકાતાના નજરૂલ મંચ ખાતે ગુરૂદાસ કોલેજના ફેસ્ટિવલ દરમિયાન પર્ફોર્મ કરી રહ્યાં હતા. કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જાણવા મળ્યા મુજબ તેઓ જે હોટેલમાં રોકાયા હતા તેની સીડીઓ પરથી કથિત રીતે પડી ગયા હતા. હોસ્પિટલના પ્રવક્તાએ ગાયકને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત હોવાની જાણકારી આપી હતી.

કેકે તેમના ‘પલ’ અને ‘યારોં’ જેવા ગીતો માટે પ્રખ્યાત છે, જે 1990ના દશકાના અંતમાં યુવાવર્ગમાં ખૂબ જ હિટ રહ્યા હતા. કેકેના 1999માં આવેલા પ્રથમ આલ્બમ ‘પલ’ની ખૂબ જ પ્રશંસા થઈ હતી. 2000ના દાયકાની ની શરૂઆતથી તેમણે પાર્શ્વ ગાયનમાં પોતાની કરિયર બનાવી અને બોલિવુડની ફિલ્મો માટે પણ લોકપ્રિય ગીતોની એક વિશાળ શ્રેણી રેકોર્ડ કરી હતી. તેમણે હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી અને બંગાળી સહિત અન્ય કેટલીય ભાષાઓમાં ગીત રેકોર્ડ કર્યા હતા.