કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાની (ANI Photo)

કોંગ્રેસે શનિવારે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીની પુત્રી ગોવામાં ગેરકાયદે બાર ચલાવે છે. કોંગ્રેસે આ મુદ્દે ઇરાનીની પ્રધાન પદેથી હકાલપટ્ટી કરવાની પણ માગણી કરી હતી.

કોંગ્રેસના પ્રવકતા પવન ખેડા, મહામંત્રી જયરામ રમેશ અને પાર્ટીના ગોવા ખાતેના વડા અમિત પાટકરે દિલ્હી અને પણજીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ઇરાની અને તેમની પરિવાર સામે આ આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે બારને આપવામાં આવેલી કથિત કારણદર્શક નોટિસની કોપી પણ જારી કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે આ નોટિસ આપનારા એક્સાઇઝ અધિકારીને દબાણને કારણે ટ્રાન્સફર થઈ હતી.

જોકે સ્મૃતિ ઇરાનીની પુત્રીના વકીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ આક્ષેપો પાયા વગરના છે. તેમના અસીલ સિલી સોલ્સ ગોવા નામની આ રેસ્ટોરાં ચલાવતા નથી કે તેના માલિક પણ નથી. તેમને કોઇ કારણદર્શક નોટિસ પણ મળી નથી.

કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે માત્ર વર્તમાનપત્ર ચલાવીએ છીએ અને તમે ગેરકાયદે બાર ચલાવો છે. અમે વડાપ્રધાન સમક્ષ માગણી કરી છીએ કે સ્મૃતિ ઇરાનીની કેન્દ્રીય કેબિનેટમાંથી એક પ્રધાન તરીકે તાકીદે હકાલપટ્ટી કરવામાં આવે છે. ગોવામાં આ રેસ્ટોરાંથી મીડિયાને દૂર રાખવા માટે બાઉન્સરની પ્રાઇવેટ સિક્યોરિટી તૈનાત કરાઈ છે. પણજીમાં પાટકરે આક્ષેપ કર્યો હતો કે બારનું લાઇસન્સ મૃત વ્યક્તિના નામે રિન્યૂ કરવાની અરજી કરાઈ હતી. જયરામ રમેશે જણાવ્યું હતું કે તેઓ સંસદમાં આ મુદ્દો ઉઠાવશે.

ગાંધી પરિવાર પર પ્રહારને કારણે મારી પુત્રીને ટાર્ગેટ કરાઈઃ સ્મૃતિ ઇરાની

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના આક્ષેપનું ખંડન કર્યું હતું અને વળતો પ્રહાર કર્યો હતો કે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીની રૂ.5,000 કરોડની લૂંટ અંગે હું જાહેરમાં પ્રહાર કરી રહી હોવાથી મારી 18 વર્ષની પુત્રીને ટાર્ગેટ કરવામાં આવી છે. ઇરાનીએ જણાવ્યું હતું કે તેમની પુત્રી પ્રથમ વર્ષમાં કોલેજને વિદ્યાર્થિની છે અને કોઇ બાર ચલાવતી નથી. મારી પુત્રનો દોષ એ છે કે તેમની માતા સોનિયા અને રાહુલ ગાંધીની રૂ.5000ની લૂંટ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે અને અમેઠીમાં રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહી છે. તેમણે રાહુલ ગાંધીને 2024માં અમેઠીમાંથી ફરી ચૂંટણી લડવાનો પડકાર પણ ફેંક્યો હતો.