યુરોપમાં ઠેર ઠેર બરફ વર્ષાના કારણે લગભગ સમસ્ત વ્યવહાર થીજી જઇ ઠપ થવાના વાતાવરણમાં સૌથી વ્યસ્ત ઇસ્તમ્બુલ એરપોર્ટ બંધ કરાયું હતું. એથેન્સમાં ચક્કાજામ અને બ્લેકઆઉટ થયો હતો. ઇસ્તમ્બુલની પ્રાચીન મસ્જિદોમાં એકતરફ બાળકો સ્લાનોમેન બનાવતા હતા તો સહેલાણીઓ સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા.
તુર્કીના સૌથી મોટા શહેરના 16 મિલિયન રહીશો જોકે બરફના લપસણા બનેલા રસ્તાઓ ઉપર એકબીજા સાથે કારની ટક્કર, ચક્કાજામથી પરેશાન થયા હતા. શોપિંગમોલ, ફૂડ ડિલીવરી સર્વિસ, શાળાઓ બંધ કરાઇ હતી. હજારો વાહનચાલકો હાઇ-વે ઉપર ફસાયા હતા.
વિશ્વના સૌથી મહત્વના એરહબ પૈકીના એક તથા પ્રતિવર્ષ 37 મિલિયન પ્રવાસીઓની અવરજવરથી વ્યસ્ત ઇસ્તમ્બુલ એરપોર્ટથી મધ્યપૂર્વ આફ્રિકા યુરોપ અને એશિયાની ફ્લાઇટોની આવનજાવન બંધ થતાં 2019 પછી પહેલી જ વખત એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું. ગ્રીસમાં રાત્રિ તાપમાન માઇનસ 14 ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું ભારે હિમવર્ષાના કારણે જનજીવન ઠપ થઇ ગયું હતું.