તાજેતરના સમયગાળામાં ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામીઓની સંખ્યામાં વધારો થતાં ભારતના એવિયેશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન્સ (DGCA)એ આકરું વલણ અપનાવીને એરલાઈન કંપની સ્પાઈસજેટને આગામી આઠ સપ્તાહ સુધી ફ્લાઈટ્સની સંખ્યા અડધી કરવાનો બુધવાર (27 જુલાઈ)એ આદેશ આપ્યો હતો. સ્પાઇસજેટની ફ્લાઇટ્સમાં 18 દિવસમાં ઓછામાં ઓછા આઠ ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

DGCAના આદેશમાં જણાવાયું છે કે, સલામત અને ભરોસાપાત્ર એર ટ્રાન્સપોર્ટ સેવા ચાલુ રાખવા માટે સ્પાઈસજેટ દ્વારા સબમિટ કરવામાં આવેલ વિવિધ સ્પોટ ચેક, ઈન્સ્પેક્શન અને શો કોઝ નોટિસના જવાબને ધ્યાનમાં રાખીને આઠ અઠવાડિયાના સમયગાળા માટે સ્પાઈસજેટની ફ્લાઈટ્સની સંખ્યા મંજૂર કરાયેલી ફ્લાઈટ્સ સંખ્યાના 50% સુધી મર્યાદિત રહેશે. આ આઠ સપ્તાહ દરમિયાન એરલાઇન એનહાન્સ્ડ સર્વેલન્સ હેઠળ રહેશે.

વિમાનના એન્જિનમાં ખામીથી લઈને વિન્ડ શિલ્ડ તૂટવાની અનેક સમસ્યા મુદ્દે DGCA એક્શનમાં આવી હતી. સ્પાઈસજેટના વધતા કિસ્સાઓને પગલે DGCAની ટીમે સ્પોટ મુલાકાત લઈને પણ ચકાસણી કરી આ આદેશ આપ્યો હતો. સ્પાઈસજેટ પર મુકેલ પ્રતિબંધોને કારણે આગામી સમયમાં ફરી હવાઈ ભાડા મોંઘા થવાની શક્યતા છે. ATFના ભાવમાં વધારાને કારણે અગાઉથી જ ફ્લાઈટના ભાડા વધ્યા છે અને હવે સમર સીઝનમાં સ્પાઈસજેટ પર પ્રતિબંધો અને ફેસ્ટિવ સીઝનની ડિમાન્ડ ભાવની સાથે મુસાફરોની ભીડમાં વધારો કરશે.