Ro-Ro cargo ship
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતના તીવ્ર દબાણને પગલે શ્રીલંકાએ ચીનના કથિત જાસૂસી જહાજની મુલાકાતને અનિશ્ચિત સમય માટે વિલંબમાં મૂકવાની ચીનને સૂચના આપી છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

ચીનના જિયાંગિન પોર્ટથી રવાના થયેલું યુઆન વાંગ-5 નામનું આ જહાજ ગુરુવારે હમ્બનટોટા પોર્ટ પર આવવાનું હતું. આ પોર્ટનું સંચાલન ચીન કરે છે. તેને રિસર્ચ એન્ડ સરવે જહાજ ગણાવામાં આવ્યું છે, પરંતુ ભારતીય મીડિયાના અહેવાલ મુજબ તે બેવડા ઉપયોગનું જાસૂસી જહાજ છે. ભારતને ચિંતા છે કે આ જહાજનો ઉપયોગ તેની ગતિવિધિની જાસૂસી માટે થશે અને તેથી શ્રીલંકાને ફરિયાદ કરી હતી. શ્રીલંકાના વિદેશ મંત્રાલયે લેખિત વિનંતીમાં ચીનના દૂતાવાસને જણાવ્યું હતું કે હમ્બનટોટામાં આ જહાજના આગમનની તારીખને આ મુદ્દે વધુ વિચારવિમર્શ ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે.

ભારતના વિદેશ મંત્રાલયે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે તે ભારતના સુરક્ષા અને આર્થિક હિત પરની અસરની ચાંપતી નજર રાખશે અને તેના રક્ષણ માટે જરૂરી તમામ પગલા લેશે. શ્રીલંકાના પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘે શુક્રવારે રાજકીય પક્ષોના નેતાઓને આશ્વાસન આપ્યું હતું કે વિવાદાસ્પદ જહાજની મુલાકાત યોજના મુજબ આગળ નહી વધે.

આ સપ્તાહના પ્રારંભમાં ભારતની ચિંતાને દૂર કરતાં શ્રીલંકાએ જણાવ્યું હતું કે આ જહાજ માત્ર ઇંધણ ભરવા અને સપ્લાય માટે આવી રહ્યું છે અને શ્રીલંકાની દરિયાઇ સીમામાં કોઇ પ્રવૃત્તિ કરશે નહીં. 2014માં શ્રીલંકામાં ચીનની બે સબમરિન દેખાઈ ત્યારે ભારતે તેનો સખત વિરોધ કર્યો હતો.