તમિલનાડુમાં ડીએમકેના વડા એમ કે સ્ટાલિને શુક્રવારે ચેન્નાઈમાં રાજ્યના મુખ્યપ્રધાન તરીકે હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા. (PTI Photo/R Senthil Kumar)()

તમિલનાડુમાં ડીએમકેના વડા એમ કે સ્ટાલિને શુક્રવારે ચેન્નાઈમાં રાજ્યના મુખ્યપ્રધાન તરીકે હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા. પ્રધાનમંડળમાં તેમના સિવાય 33 સભ્યો સામેલ થયા હતા. આશરે 12 નવા સભ્યો પહેલી વખત પ્રધાન બન્યા હતા.

ડીએમકેની અગાઉની સરકાર (વર્ષ 2006-11)માં સ્ટાલિન નાયબ મુખ્યપ્રધાન હતા અને તેમના પિતા એમ કરૂણાનિધિ મુખ્યપ્રધાન હતા. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેએ 133 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને કોંગ્રેસ સહિતના તેમના અન્ય સાથી પક્ષો સાથે વિધાનસભામાં કુલ 159 બેઠક પર વિજય મેળવ્યો છે. વિધાનસભામાં સભ્યોની કુલ સંખ્યા 234 છે.

એમ કે સ્ટાલિને મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા બાદ તરત જ કોરોના કાળમાં લોકોને રાહત આપવા માટે દરેક પરિવારને રૂ.4000 આપવાના આદેશ પર સહી કરી હતી. આ પૈકી રૂ.2,000 પહેલો હપ્તો મે મહિનામાં ચુકાવવામાં આવશે. ભારતના બીજા કોઈ રાજ્યમાં આ રીતે લોકોને સીધી સહાય આપવાની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.