સુએઝ કેનાલમાં ફસાયેલા જહાજની સેટેલાઇટ તસવીર (ફોટો સૌજન્ય CNES/AIRBUS DS via REUTERS

વિશ્વનો સૌથી વ્યસ્ત જળમાર્ગ ગણાતી સુએઝ કેનાલમાં ૪૦૦ મીટરની લંબાઇ ધરાવતું એક જહાજ ફસાઇ જતા અભૂતપૂર્વ ટ્રાફિક જામ થયો હતો. આ જહાજ મંગળવારની સવારે ફસાયું હતું અને તેને દૂર કરતાં સપ્તાહથી વધુ સમય લાગવાની શક્યતા છે. આ જહાજ ફસાતા કેનાલમાં બંને દિશામાં 206 માલવાહક જહાજો અટવાઈ ગયા છે તથા એશિયા અને યુરોપ વચ્ચેનો વેપાર ઠપ થઈ ગયો છે.

સુએજ કેનાલ મારફત વિશ્વનો આશરે 12 ટકા વેપાર થાય છે. ઇજિપ્તનું નિયંત્રણ ધરાવતા આ વિસ્તારમાં ક્રુડ ઓઇલ સહિતની માલસામાનની હેરાફેરી માટે માલવાહક જહાજો પસાર થાય છે. આ જહાજનું નામ એમવી એવર ગિવન છે. જહાજના સંચાલકોના જણાવ્યા મુજબ દરિયામાં પવનની જોરદાર થપાટો અને રેતીના તોફાનને કારણે જહાજ કેનાલમાં ફસાઇ ગયું હતું. આ જહાજમાં કુલ ૨૫ જેટલો સ્ટાફ છે, જે તમામ સુરક્ષિત છે. ૪૦૦ મીટર લાંબુ અને ૫૯ મીટર પહોંળુ અને ૨.૨૪ લાખ ટનનું કન્ટેનર જહાજ ફસાઇ જવાથી અન્ય જહાજોનો માર્ગ બંધ થઇ જતા 206 જેટલા જહાજો સુએઝ કેનાલમાં પસાર થવાની રાહ જોઇ રહયાં છે.

ટ્રાફિક જામની સ્થિતિ જોતા કેટલાક લોકોએ તો આને દુનિયાનો સૌથી લાંબો શિપિંગ જામ ગણાવ્યો છે. યુરોપ અને એશિયા વચ્ચે થતો મોટા ભાગનો વેપાર સુએઝ કેનાલ મારફતે થાય છે. સુએઝ ભુમધ્ય અને લાલ સાગરને જોડે છે. સેટેલાઇટ તસ્વીરમાં ફસાઇ ગયેલું એમવી એવર ગિવન જહાજ આડું થયેલું જણાય છે. જહાજનો આગળનો ભાગ નહેરની દિવાલને ટચ કરી રહયો છે તો પાછળનો ભાગ નહેરના પશ્ચિમ ભાગ તરફ જોવા મળે છે. જહાજને સીધું કરવા માટે ટગ બોટનો ઉપયોગ કરવામાં આવી રહયો છે.

૧૬૮ કિમી લાંબી સુએઝ કેનાલની શરુઆત ૧૮૬૯માં થઇ હતી. ૧૬૮ કિમી લાંબી અને ૬૦ મીટર પહોળી આ કેનાલની સરેરાશ ઉંડાઇ ૧૬.૫ મીટર છે. સુએઝ નહેરના નિર્માણમાં ૧૦ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.૧૮૬૯માં આ નહેરને જહાજોની અવર જવર માટે ખોલવામાં આવી હતી. એક સમય એવો હતો કે સુવેઝ નહેરમાંથી દિવસના અજવાળામાં જ જહાજો પસાર થતા હતા, પરંતુ ૧૮૮૭માં સુવિધા ઉભી કરવામાં આવતા રાત્રે પણ જહાજોનું આવન જાવન શરુ થયું હતું. એક સમય એવો હતો કે ૧૬૮ કિમી લંબાઇ ધરાવતી કેનાલમાંથી પસાર કરવામાં ૩૬ કલાક જેટલો લાંબો સમય થતો હતો પરંતુ હવે ૧૮ કલાક જેટલો સમય લાગે છે. વેપાર અને સંરક્ષણની દ્વષ્ટીએ વ્યુહાત્મક મહત્વ ધરાવતી સુએઝ નહેર પર હાલમાં ઇજીપ્ત દેશનું નિયંત્રણ છે.