Sufficient water is available in the reservoirs of Gujarat to last in summer

ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં ઉપલબ્ધ પીવાના પાણી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે પ્રવક્તા પ્રધાન ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ પડે નહીં તે માટે રાજ્ય સરકારે પૂરતું આગોતરું આયોજન કર્યું છે.

ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં નર્મદા આધારિત જુથ પાણી પુરવઠા યોજનાઓ મારફત ૩,૧૦૦ એમ.એલ.ડી. પાણીનું જ્યારે નર્મદા સિવાયના અન્ય સરફેસ સ્ત્રોત આધારિત જુથ યોજનાઓમાં ૧,૧૦૦ એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે. રાજ્યમાં આવેલ જળાશયો પૈકી ૭૨ જળાશયો આધારિત પાણી પુરવઠાની જુથ યોજનાઓ કાર્યરત છે. આ તમામ જળાશયોમાં આગામી ઉનાળા દરમ્યાન ચાલે તેટલું પુરતું પાણી ઉપલબ્ધ છે.

ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની ફરિયાદ નોંધાવા માટે ૨૪x૭ ટોલ ફ્રી નંબર ૧૯૧૬ કાર્યરત છે. છેલ્લા ત્રણ માસમાં નોંધાયેલ કુલ ૧૩,૭૨૨ ફરિયાદો પૈકી ૧૨,૬૫૩ ફરિયાદોનો નિકાલ જ્યારે ૧,૦૬૯ ફરિયાદોના નિવારણની કામગીરી પ્રગતિ હેઠળ છે. દરિયા કાંઠાના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી જિલ્લા માટે બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇનની યોજના તાજેતરમાં પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી આ વિસ્તારના ગામો તથા શહેરોને વધારાનું ૧૮૦ એમ.એલ.ડી. પાણી ઉપલબ્ધ થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે બલ્ક વોટર સપ્લાય ગ્રીડ મારફત હાલ શરેરાશ ૨,૦૦૦ એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે. જે આગામી ઉનાળામાં જરૂરિયાત મુજબ ૨,૨૦૦ થી ૨,૩૦૦ એમ.એલ.ડી. સુધી વિતરણ કરવાનું આયોજન છે.

LEAVE A REPLY

2 × 1 =