Rami-Ranger-sunak
  • એક્સક્લુઝીવ
  • બર્ની ચૌધરી, શૈલષ સોલંકી અને સરવર આલમ

ટોરી લીડરશીપ અને વડા પ્રધાન પદની ચૂંટણીમાં ભારતીય મૂળના પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકની હાર થયા બાદ વરિષ્ઠ ટોરી નેતાઓએ નવ નિયુક્ત વડાં પ્રધાન લિઝ ટ્રસને વિનંતી કરી છે કે તેઓ સાઉથ એશિયન સમુદાયોના લોકો અને નેતાઓ સાથે સંલગ્ન રહી તેમની સાથે  પરામર્શ કરવાનું તથા તેમને સાંભળવાનું ચાલુ રાખે.

આ નેતાઓએ ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે તેઓ ચિંતિત છે કે નવા પીએમ તેમના પુરોગામીઓ દ્વારા કરવામાં આવેલી પ્રગતિને પૂર્વવત્ કરશે.

એક વરિષ્ઠ સાઉથ એશિયન ટોરી અગ્રણીએ ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે “લિઝની સમસ્યા એ છે કે તે સાંભળતી નથી. તે જિદ્દી છે, અને તેઓ માને છે કે તેમનો માર્ગ જ સાચો માર્ગ છે. પરંતુ તેમણે એશિયનોને સાંભળવા પડશે, સલાહ લેવી પડશે અને સ્વીકારવા પડશે. અન્યથા, તેઓ નિષ્ફળ જશે. લિઝે સમજવું જોઈએ કે સાઉથ એશિયન સમુદાય, ખાસ કરીને ભારતીય સમુદાય (સુનકની હારને) આને એક થપ્પડ તરીકે જોશે. ભાવનાત્મક રીતે, તે જ છે.”

જૉન્સન વખતે ટોચના ચારમાંથી ત્રણ પદ પર સાઉથ એશિયન નેતાઓ સેવા આપતા હતા.

તે ટોરી નેતાએ કહ્યું હતું કે “બોરિસ તમારૂ સાંભળશે. બોરિસ વિવિધતાના મહત્વને સમજ્યા હતા અને સમય આવે તે બતાવ્યું પણ હતું. તેમણે એશિયન ચાન્સેલર, એશિયન હોમ સેક્રેટરી, એશિયન બિઝનેસ સેક્રેટરી અને પછી ક્લાયમેટ ચેન્જ માટે પણ એશિયનની નિમણુંક કરી હતી. તેમણે એશિયન એટર્ની-જનરલની નિમણૂક કરી હતી. પરંતુ મીડિયાએ બોરિસને એવા દર્શાવ્યા કે જાણે કે તેમણે પોતાના પગ પર જ કુહાડી મારી હોય.’’

અન્ય એક વરિષ્ઠ સાઉથ એશિયન સાંસદે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘’હું ચિંતિત છું કે પક્ષ પાછળ જઈ રહ્યો છે. હું મંત્રીમંડળમાં ભારતીય પ્રતિનિધિત્વના અભાવથી ચિંતિત છું. બ્રિટિશ ભારતીય સમુદાય કન્ઝર્વેટિવને મત આપે તેવી શક્યતા વધુ છે, પરંતુ ટોચ પર તેમના  પ્રતિનિધિત્વનો અભાવ સમુદાયને પક્ષથી વિમુખ કરશે. ચૂંટણી વખતે ટ્રસ સાડી પહેરીને નીસડન મંદિરે જાય તે સારું છે, પરંતુ અમને કેબિનેટ ટેબલ પર અમારો અવાજ જોઈએ છે.”

બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA) ના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. ચાંદ નાગપોલે જણાવ્યું હતું કે, ‘’NHSની વાત કરતા હો ત્યારે વડા પ્રધાને વંશીય અસમાનતાઓને સમજવી જોઈએ જે અસ્તિત્વમાં છે. હું ખૂબ જ ચિંતિત છું કે સરકારે, અત્યાર સુધી, અસમાનતા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે પણ માળખાકીય જાતિવાદ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો નથી, જેનો આરોગ્ય સેવામાં કામ કરતા લોકો સામનો કરે છે. કોવિડની જેમ જ કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટી વંશીય લઘુમતીઓને વધુ પ્રમાણમાં અસર કરે તેવી શક્યતા છે. તે અસુરક્ષિત રોજગારમાં રહેલા લોકોને વધુ અસર કરશે. આ મુદ્દાઓ આપણે રોગચાળા વખતે જોયા છે.’’

લોર્ડ રેમી રેન્જરે કહ્યું હતું કે ‘’નવા વડા પ્રધાને વિવિધતાને અપનાવવી જોઈએ. મેં લિઝને પહેલેથી જ અભિનંદન આપ્યા છે. તે જ સમયે, હું ઋષિને સમગ્ર વિશ્વમાં બિલિયન્સ લોકોને પ્રેરણા આપવા માટે સલામ કરું છું. તમારી ક્ષમતા, મક્કમતા, પ્રતિબદ્ધતા અને કલ્પના સાથે શું પ્રાપ્ત કરી શકાય છે તે બતાવ્યું છે. હું ઋષિને નાયબ વડા પ્રધાન તરીકે જોવા માંગુ છું અને તેનો લાભ લેવા માટે તેમની પસંદગીનો પોર્ટફોલિયો આપવો જોઇએ. જો કે, તેઓ ચિંતિત છે કે ટોરી સભ્યોએ સાઉથ એશિયનને નકારી કાઢ્યા હોવાથી પક્ષને નુકસાન થઈ શકે છે. પરંતુ મને લાગે છે કે લેબર પાર્ટી, ખાસ કરીને ભારતીય મતદારોને ફરીથી ધ્યાનમાં લેશે.’’

ભૂતપૂર્વ વડા પ્રધાનની નજીકના વેસ્ટમિન્સ્ટરના ટોરીના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘’આ પરિણામ સાઉથ એશિયાના લોકો માટે મોટો ફટકો છે. ઋષિ ઝુંબેશ જીતી ગયા પરંતુ હરીફાઈ હારી ગયા. સમય જતાં, મને શંકા છે કે ઋષિ જે કહેતા હતા તેમાંથી ઘણું બધું સરકાર – લિઝ પોતાના અભિગમમાં અપનાવશે.

એનર્જી કંપનીઓના વિન્ડફોલ ટેક્સને સમર્થન આપતા લોર્ડ રેન્જર કહે છે કે “આપણે એનર્જી પર સબસિડી આપવી પડશે, કારણ કે આપણે અન્ય દેશોની જેમ ઝડપથી વિકાસ કરી રહ્યા નથી. ઉદ્યોગો, ખાસ કરીને હોસ્પિટાલિટી ઉદ્યોગ, એનર્જી પર આધાર રાખે છે અને તેની કિંમતો ફિક્સ કરવી એ સારો વિચાર છે. હું હંમેશા સાઉથ એશિયન્સના બિઝનેસીસ વિશે ચિંતિત છું. કેમ કે તેમના વ્યવસાયો નવા છે, ઊંચા મોરગેજીસ છે, લોન લીધી છે. આપણે અમુક પ્રકારની ફર્લો સ્કીમ પર પાછા આવવું જોઇએ, જેણે ઘણી પ્રતિભાઓને બચાવી હતી.’’

કોબ્રા બીયરના સ્થાપક અને અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ લોર્ડ કરણ બિલિમોરિયાએ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી બિઝનેસીસને મદદ નહીં મળે ત્યાં સુધી ધંધાઓ નીચે જશે. અમારા ઇનપુટ ખર્ચમાં 25 ટકાથી વધુનો વધારો થયો છે, અને ઊર્જા ખર્ચમાં ભારે વધારો થયો છે. ગ્રાહકો અને બિઝનેસીસ પીડાય છે. આ તબક્કે સરકારની મદદની જરૂર છે. તેઓ ઈચ્છે છે કે નવા વડાપ્રધાન ટેક્સમાં ઘટાડો કરે. જો કરમાં ઘટાડો કરો છો તો તેમાં ઇન્સેન્ટિવાઇઝિંગ ટેક્સનો સમાવેશ થાય છે, જે ઇનવર્ડ ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપે છે, જે બદલામાં વૃદ્ધિ પેદા કરે છે જે નોકરીઓનું સર્જન કરે છે. તે વૃદ્ધિ, તે કર, દેવું ચૂકવે છે. જો તમે કર ઘટાડશો, તો ગ્રાહકોને મદદ થશે અને ગ્રાહકોને ખર્ચ કરવામાં મદદ કરશો તો તમે બિઝનેસીસને મદદ કરો છો. આ સમયે સરકારે ભૂમિકા ભજવવાની છે.”

યુકેના સૌથી મોટા ઇન્ડિપેન્ડન્ટ હોલસેલ બિઝનેસમેન, બેસ્ટવેના મેનેજિંગ ડિરેક્ટર દાઉદ પરવેઝે જણાવ્યું હતું કે ‘’નવા વહીવટીતંત્રે નાના અને મધ્યમ કદના બિઝનેસીસને સાંભળવા મહત્વપૂર્ણ છે. તેણીએ સમગ્ર બિઝનેસ રેટ સિસ્ટમ પર ધ્યાન આપવું પડશે, અને તે કેવી રીતે નાના બિઝનેસીસ, ખાસ કરીને રીટેઇવ બિઝનેસીસને અસર કરે છે. રેટ સીસ્ટમ વાસ્તવિક માર્કેટ પ્રેક્ટિસ સાથે મેળ ખાવામાં ઘણો લાંબો સમય લે છે.”

યુકેની સૌથી મોટી ઇન્ડિપેન્ડન્ટ ફાર્મસી ચેઈનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સેમ પટેલ વધુ આશાવાદી છે. તેઓ નથી માનતા કે સુનકને નકારવાથી પક્ષ સાઉથ એશિયન સમુદાયોમાંથી સમર્થન ગુમાવશે. તેના બદલે, તેઓ ઇચ્છે છે કે નવા વડા પ્રધાન બિઝનેસીસને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે. તેઓ કહે છે કે ‘’અમે ઘણા એશિયન બિઝનેસ માલિકોમાં વાસ્તવિક લેબરની તંગી જોઈ રહ્યા છીએ. પોઈન્ટ-આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ, હેલ્થ કેર, ડોકટરો, નર્સોમાં કુશળ ભારતીય કામદારોના વધુ ઈમિગ્રેશનને ટેકો આપવાની આ એક તક છે. ભારતમાં અદ્ભુત નર્સો છે, અને અન્ય ક્ષેત્રોના ભારતીય ઉપખંડમાંથી આવતા લોકોની કુશળતાનો લાભ મેળવી શકીએ છીએ.”

રાજકીય વિવેચકો એવું અનુમાન કરી રહ્યા છે કે લિઝ ટ્રસ તેના સૌથી વફાદાર લોકોની નિમણૂક કરશે.

લેસ્ટરશાયર એશિયન બિઝનેસ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ જાફર કપાસીએ જણાવ્યું હતું કે ‘’કન્ઝર્વેટિવ્સે હવે તેમના નવા નેતાની પાછળ એક થવું પડશે. પ્રશ્ન એ છે કે તે પાર્ટીને કેવી રીતે એક કરશે. કારણ કે કેટલાક મુખ્ય સાંસદો તો બેકબેન્ચ પર બેઠા છે. પરંતુ તેઓ ઇચ્છે છે કે નવા પીએમ અન્ય પડકારજનક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે. કેટલીક બાબતો એવી છે કે જ્યાં ઘણા નવા સમુદાયો પ્રભાવિત થાય છે. હજુ પણ પાયાના સ્તરે, ખાસ કરીને લઘુમતી સમુદાયોના લોકોની ઘણી હેરાનગતિ થાય છે. શૈક્ષણિક પ્રણાલીમાં અસમાનતા છે. કોઈપણ નવા વડા પ્રધાન માટે આનો સામનો કરવા માટે તે ઘણું છે.”

બીજો મોટો, છતાં અનુત્તરિત, પ્રશ્ન એ છે કે હવે ઋષિ સુનકનું શું થશે? એક અનામી સ્ત્રોતે કહ્યું હતું કે તે નવા વડાપ્રધાનને પાછળની બેન્ચ પરથી સમર્થન આપશે. તેઓ જાહેર સેવામાં જ રહેશે. તેમણે કામ કરવાની જરૂર નથી. પરંતુ ભવિષ્યમાં, કંઈક એવું બની શકે છે જે તે કરવા માંગે છે. તેઓ વિશ્વ બેંકના પ્રમુખ પણ બની શકે છે, અથવા તે જાહેર સેવાના કોઈ અન્ય પદ પર હોઈ શકે છે.

LEAVE A REPLY

twelve − ten =