સરકારે 2022-23ના પાક વર્ષ માટે ડાંગરના ટેકાના લઘુતમ ભાવ (એમએસપી)ને ક્વિન્ટલ દીઠ રૂ.100 વધારીને રૂ.2,040 કર્યા છે. ખેડૂતો ડાંગરનું વધુ વાવેતર કરે અને તેમની આવકમાં વધારો થાય તે માટે સરકારે આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. સરકાર ખરીફ સિઝનના 14 પાકના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂ.92થી 523 સુધીનો વધારો કર્યો છે. તલના ટેકાના ભાવમાં સૌથી વધુ ક્વિન્ટલ દીઠ રૂ.523નો વધારો કર્યો છે, જ્યારે મકાઇના ટેકાના ભાવમાં સૌથી ઓછો ક્વિન્ટલ રૂ.92નો વધારો કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ 2022-23ના પાક વર્ષ માટે ખરીફ સિઝનના તમામ 14 પાકના ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને વિવિધ પાકનું વાવેતર કરવાનું પ્રોત્સાહન મળે તે માટે 2022-23ના ખરીફ પાકો માટે સરકારે ટેકાના ભાવમાં વધારો કર્યો છે.

માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ખરીફ પાકના વાવેતર પહેલા એમએસપીમાં વધારાની જાહેરાતથી ખેડૂતોને તેમના પાક માટે અગાઉથી ભાવનો સંકેત મળશે. તેનાથી કયા પાકનું વાવેતર કરવું તેનો નિર્ણય કરવામાં પણ ખેડૂતોને મદદ મળશે.

ડાંગર અને બાજરીના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂ.100નો વધારો કર્યો છે, જ્યારે તુવેર, અડદ અને મગફળીના એમએસપીમાં ક્વિન્ટલ દીઠ રૂ.300નો વધારો કર્યો છે.કોમન ગ્રેડ વેરાઇટીની ડાંગરના ટેકાના ભાવને ગયા વર્ષના ક્વિન્ટલ દીઠ રૂ.1,940થી વધારીને રૂ.2,040 કર્યા છે. ‘એ’ ગ્રેડની ડાંગરના ટેકાના ભાવ રૂ.1,960થી વધારી રૂ.2,060 કર્યા છે. ડાંગર મુખ્ય ખરીફ પાક છે.

કોમર્શિયલ પાકમાં મીડિયમ સ્ટેપલ કપાસના ટેકાના ભાવ ગયા વર્ષના ક્વિન્ટલ રૂ.5,726થી વધારીને રૂ.6,080 કરાયા છે, જયારે લોંગ સ્ટેપલ કપાસના ટેકાના ભાવ રૂ.6,025થી વધારીને રૂ.6,380 કરાયા છે.
કઠોળ કેટેગરીમાં તુવેરના ટેકાના ભાવ ગયા વર્ષના ક્વિન્ટલ દીઠ રૂ.6,300થી વધારીને રૂ.6,600 કર્યા છે, જ્યારે મગના ટેકાના ભાવ રૂ.7,275થી વધારીને રૂ.7,755 કર્યા છે.

તેલિબિયામાં સોયાબીનના ટેકાના ભાવ રૂ.3,950થી વધારીને રૂ.4,300, જ્યારે સનફ્લાવર સીડના ટેકાના ભાવ રૂ.6,015થી વધારીને રૂ.6,400 કર્યા છે. મગફળીના ટેકાના ભાવ રૂ.5,550થી વધારીને રૂ.5,850 કર્યા છે. તલના ટેકાના ભાવ રૂ.7,307થી વધારીને રૂ.7,830 કર્યા છે.