સુરત મહાનગરપાલિકાએ શહેરમાં ગુજરાતની બહારથી આવતા લોકોને એક અઠવાડિયા સુધી ક્વોરન્ટાઈન રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. આ નિયમનો ભંગ કરશે તેની સામે પોલીસ કેસ અથવા FIR કરવામાં આવશે. સુરતમાં કોરોનાના કેસોમાં ફરી વધારાને પગલે બીજા પણ કેટલાંક પગલાં લેવામાં આવ્યા છે. મંગળવારે સુરતમાં કોરોનાના 263 નવા કેસ નોંધાયા હતા, જે પાંચ મહિનામાં સૌથી વધુ દૈનિક કેસ છે.

વહીવટીતંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગની કામગીરી વઘુ સઘન બનાવવામાં આવી છે અને બસ સ્ટેન્ડ તેમજ બીજા જાહેર સ્થળો પર પણ બહારથી આવેલા લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે. મંગળવારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર બગીચા તેમજ પ્રાણી સંગ્રહાલયને બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરતમાં દોડતી સિટી બસોની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે. એસએમસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરના રસ્તા પરથી 300 જેટલી બસો દૂર કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા મંગળવારે ટ્યૂશન ક્લાસીસ બંધ કરાવવાના પણ આદેશ આપવામાં આવ્યા હતા. હવેથી ટ્યૂશન ક્લાસીસના સંચાલકોએ માત્ર ઓનલાઈન એજ્યુકેશન જ આપવાનું રહેશે.

કોરોનાના કેસ વધતાં સુરતના ટેક્સટાઈલ માર્કેટ પણ હોટસ્પોટ્સ બની રહ્યા છે. તેનાથી ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશને મંગળવારે માર્કેટને સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા બે દિવસમાં જ ટેક્સટાઈલ માર્કેટ્સમાં 80 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે.