સુરતના હજીરા પોર્ટથી દીવ વચ્ચેની ક્રૂઝ સર્વિસિસનો 31 માર્ચે પ્રારંભ થયો હતો. (PTI Photo)

સુરતના હજીરા પોર્ટથી દીવ વચ્ચેની ક્રૂઝ સર્વિસિસનો 31 માર્ચે પ્રારંભ થયો હતો. કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટર વેઝ પ્રધાન મનસુખ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સ મારફત આ સર્વિસનું ઉદ્ઘઘાટન કર્યું હતું. 300 પેસેન્જરોની ક્ષમતા ધરાવતી ક્રૂઝને હજીરાથી દીવ પહોંચતા 13-14 કલાકનો સમય લાગશે. વીઆઈપી લાઉન્જમાં અનલિમિટેડ ફૂડ અને શિપના તમામ ભાગમાં ફરવા માટેનું ભાડું 3000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ રકમ શિપના એન્ટ્રી ભાડા ઉપરાંત લેવાશે.

હજીરા-દીવ વચ્ચે શરૂ ચાલનારી ક્રૂઝમાં 16 કેબિન છે, જે મુસાફર એકલા અથવા બે વ્યક્તિ માટે બુક કરાવી શકે છે. ઉપરાંત ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વીઆઈપી લાઉન્જ અને એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક પણ હશે. ગેમિંગ લાઉન્જમાં ગેમ રમવા માટે કેબિન બુક કરાવનાર મુસાફરને સિંગલ વ્યક્તિ માટે 500 કોઈન અને બે જણ માટે 1000 કોઈન આપવામાં આવશે.

આ પ્રસંગે મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું ‘કુદરતે ભારત અને ગુજરાતને વિશાળ દરિયા કિનારાની ભેટ આપી છે. ત્યારે આ દરિયામાંથી વિકાસની નવી નવી તકો શોધીને લોકોના ઉપયોગમાં આવે તે માટે સરકાર દ્રઢ નિશ્ચયી છે. અગાઉ રો-રો ફેરી અને રો-પેક્સ બાદ એક નવું નજરાણું શરૂ કરવામાં આવ્યું છે. જે લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.’