India's diamond industry is hit by falling US-China demand
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સુરતના હીરા ઉદ્યોગમાં ફરી ચમક આવી રહી છે. એપ્રિલમાં પોલિશ્ડ અને સિન્થેટિક ડાયમંડની નિકાસ કોરોના મહામારીના પહેલાના સ્તરે આવી ગઈ છે. માસિક નિકાસ ઉદ્યોગની ધારણા કરતાં વધુ રહી હતી.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ જારી કરેલા ડેટા અનુસાર અનુસાર કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, લેબ ગ્રોન સિન્થેનિક ડાયમંડ અને કલર્ડ જેમસ્ટોનની નિકાસ આશરે 2.3 બિલિયન ડોલર રહી હતી. એપ્રિલ 2019માં અમેરિકામાં 1.6 અબજ ડોલરના ડાયમંડની નિકાસ થઈ હતી.

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, મોટાભાગની ડિમાન્ડ અમેરિકન માર્કેટમાં જોવાઈ રહી છે, અને કેટલોક તૈયાર માલ યુરોપ પણ જઈ રહ્યો છે.

ઊંચી માગને પહોંચી વળવા રફ હીરાની આયાત પણ વધીને કોરોના પહેલાના સ્તરે પહોંચી ગઈ છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં સિન્થેટિક અને કલર જેમસ્ટોન સહિત રફ ડાયમંડની આયાત 315 મિલિયન ડોલરની આસપાસ રહી હતી, જે એપ્રિલ 2019 કરતા વધારે છે. GJEPCના ગુજરાત રિજનના ચેરમેન દિનેશ નવાડિયાએ જણાવ્યું હતું કે અમેરિકામાં કોરોનાના કેસ ઘટ્યા છે અને વેક્સિનેશન વધ્યું છે, જેથી ત્યાં હીરાની ડિમાન્ડમાં વધારો થયો છે. હીરા ઉદ્યોગ માગને પહોંચી વળવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, કારણ કે કોરોનાની બીજી લહેરથી કારીગરો સ્થળાંતર કરી ગયા છે.
નાવડિયાના જણાવ્યા અનુસાર, બહારના રાજ્યના કારીગરો તો કેસ વધવાનું શરુ થયું ત્યારે જ ચાલી ગયા હતા. હાલ કારખાનામાં કારીગરોની 30 ટકા જેટલી અછત છે. એટલું જ નહીં, તૌકતે વાવાઝોડાંને કારણે પણ સૌરાષ્ટ્રમાં હીરાના પ્રોડક્શન પર અસર પડી છે.