બોલીવૂડમાં અભિનયની સાથે સોશિયો-પોલિટિકલ એક્ટિવિઝમ માટે જાણીતી યુવા અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતાના બોયફ્રેન્ડ ફહાદ અહમદ સાથે મુંબઇની કોર્ટમાં લગ્ન કર્યા હોવાની જાહેરાત કરી છે. સ્વરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરીને દોઢ મહિના પહેલા થયેલા લગ્ન અંગે માહિતી આપી હતી.

સ્વરાએ પોસ્ટ કરેલા વીડિયોથી સોશિયલ મીડિયામાં બધાને આશ્ચર્ય થયું છે. સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ અને સ્વરાની લવસ્ટોરીને વીડિયોમાં રજૂ કરવામાં આવી છે. આ વીડિયો શેર કરતાં સ્વરાએ લખ્યુ હતું, ક્યારેક આપણે જે વસ્તુને શોધવા ખૂબ દૂર સુધી જઈએ છીએ, તે જ વસ્તુ આપણી બાજુમાં હોય છે. અમે પ્રેમની શોધમાં હતા, પરંતુ અમને પહેલા દોસ્તી મળી. પછી અમે એકબીજાનો સાથ મેળવ્યો. મારા દિલમાં ફહાદ અહમદનું સ્વાગત છે.

સ્વરા ભાસ્કરની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર અભિનંદન અને કોમેન્ટ્સનો વરસાદ શરૂ થયો હતો. એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, વિરોધ અને રાજનીતિ વચ્ચે સર્જાયેલી પ્રેમ કહાનીઓ હંમેશા ખાસ હોય છે. ઉલ્લેખનીય છે કે, સ્વરા અને ફહાદ અહમદે 6 જાન્યુઆરીના રોજ સ્પેશયલ મેરેજ એક્ટ હેઠળ મેરેજ કર્યા હતા. તેમના લગ્નના દોઢ મહિના પછી સ્વરાએ આ અંગે જાહેરમાં ખુલાસો કર્યો છે. સ્વરા અને ફહાદ વચ્ચે પ્રથમ મુલાકાત દિલ્હીના શાહિન બાગ વિરોધ દરમિયાન થઈ હતી. મુલાકાત બાદ પરિચય વધ્યો અને અંતે બે એક્ટવિસ્ટે લગ્ન કરી લીધા હતા.

LEAVE A REPLY

three × five =