પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે ૨૦૨૪ના ટી-૨૦ વર્લ્ડ કપનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝને સંયુક્તપણે ફાળવી છે. આ રીતે, નોર્થ અમેરિકામાં સૌપ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ રમાશે. પાકિસ્તાનને પણ આઇસીસીની ઈવેન્ટ આશરે બે દાયકા પછી ફાળવવામાં આવી છે. ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમવાની જાહેરાત આઇસીસીએ કરી છે.

૨૦૨૬ થી ૨૦૩૧ સુધીમાં ભારતને જુદી-જુદી ત્રણ મેજર ટુર્નામેન્ટની યજમાની ફાળવાઈ છે. ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે ૨૦૨૬નો ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે. ૨૦૨૯ની ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં યોજાશે. એ પછી ૨૦૩૧નો વન-ડે વર્લ્ડ કપ ભારત અને બાંગ્લાદેશ સંયુક્તપણે યોજશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે ૨૦૨૪થી લઈને ૨૦૩૧ સુધીની કુલ આઠ ટુર્નામેન્ટના યજમાનની જાહેરાત કરી ગયા સપ્તાહે કરી હતી. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે. જે પછીના વર્ષે એટલે કે ૨૦૨૩માં વન ડેનો વર્લ્ડ કપ ભારત ભૂમિ પર રમાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે ૨૦૧૭માં રમાઈ હતી. તેનું આઠ વર્ષ પછી પુનરાગમન થશે. છેલ્લે આ ટુર્નામેન્ટ ઈંગ્લેન્ડમાં રમાઈ હતી. જો કે, ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાશે તેવી જાહેરાત કરાતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. પાકિસ્તાનમાં પ્રવાસી ટીમના ક્રિકેટરોની સલામતીની સમસ્યા છે અને તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે આ જ કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ રદ કરી ચૂક્યા છે. આવી પરિસ્થિતિમાં ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ પાકિસ્તાનને ફાળવાયું છે, પણ તે યુએઈમાં રમાય તેવી પૂરેપુરી શક્યતા છે.