Raja Singh
મહંમદ પયગંબર અંગે કથિત અપમાનજનક ટીપ્પણી કરનારા તેલંગણામાં ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહ(ANI Photo/ ANI Pic Service)

તેલંગણામાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ગુરુવારે ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય ટી રાજા સિંહની ફરી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા તેની 23 ઓગસ્ટે પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ પછી સ્થાનિક કોર્ટે જામીન મંજૂર કરી આપ્યા હતા. જોકે તેમને જામીન મળતા હૈદરાબાદમાં મુસ્લિમોએ ભારે વિરોધી દેખાવો કર્યો હતો.

હૈદરાબાદ પોલીસે જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્ય રાજાની પીડી એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે. રેકોર્ડ દર્શાવે છે કે તેની સામે નોંધાયેલા 101 ફોજદારી કેસોમાંથી તે 18 સાંપ્રદાયિક ગુનાઓમાં સામેલ છે. રાજાને ચેરિયાપલ્લી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવી શકે છે. રાજાએ ગુરુવારે ધરપકડ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે આજે કે કાલે મારી ધરપકડ થઈ શકે છે. હું એટલું જ કહેવા માંગુ છું કે જો કોઈ મારા દેશ, મારા ધર્મ વિશે ખરાબ બોલશે તો હું તેને તેની જ ભાષામાં જવાબ આપીશ, ગમે તેટલી સજા થાય, હવે હિંદુઓ પીછેહઠ કરવાના નથી. હું આશા રાખું છું કે દરેક હિંદુ મને આ ધર્મયુદ્ધમાં સાથ આપશે.