Social activist Teesta Setalvad
સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ (ANI PHOTO) (ફાઇલ ફોટો)

વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા કોમી તોફાનો સમયે નિર્દોષ લોકો સામે ખોટા પુરાવા ઊભા કરવાના ષડયંત્રમાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમાર જેલવાસ ભોગવી રહ્યાં છે ત્યારે બન્નેએ જામીન માટે અરજી કરી છે. આ પૈકી તિસ્તાની જામીન અરજી સામે એસઆઇટીએ એફિડેવિટ ફાઇલ કરી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, અહેમદ પટેલના કહેવાથી તિસ્તાએ સરકાર પાડવા મોટું ષડયંત્ર રચ્યું હતું. તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાનને ખોટી રીતે રમખાણ કેસમાં સંડોવવા પ્રયાસ કર્યા હતા.

આખાય ષડયંત્રમાં તિસ્તા સેતલવાડનો મોટો રોલ છે ત્યારે આરોપીને જામીન ન આપવા જોઇએ. આ મામલે વધુ સુનાવણી સોમવારે યોજાશે. જ્યારે પૂર્વ ડીજીપી આર.બી.શ્રીકુમારની જામીન અરજી સામે સોમવારે સરકાર એફિડેવિટ ફાઇલ કરશે. આ કાવતરું રચી તિસ્તા સેતલવાડ રાજકીય રીતે આગળ આવ્યા છે, તેમણે લોકો પાસે પૈસા મંગાવ્યા તદઉપરાંતના આર્થિક લાભો પણ મેળવ્યા છે.

સરકારને ગમે તેમ રીતે તોડવાનો પ્રયાસ કર્યો છે. આરોપીએ ગેરકાયદે રીતે સરકાર તોડવા તેમ જ પૈસા પડાવવા તથા પોતાનો રાજકીય બદઇરાદા પાર પાડવા અને અલગ અલગ તપાસ એજન્સીને- ગુજરાતના નિર્દોષ લોકો, તે સમયના મુખ્યપ્રધાનને ખોટી રીતે સંડોવી દેવા પ્રયાસ કર્યો છે. તેમણે ગોધરાકાંડ બાદ થયેલા તોફાનમાં ભોગ બનનારોના નામે પૈસા પડાવ્યા છે.