ચેઈન સ્નેચરોએ લેસ્ટરના બેલગ્રેવ સહિત શહેરના એવિંગ્ટન, સ્પિની હિલ્સ અને સેન્ટ મેથ્યુઝ વિસ્તારોમાં આતંક મચાવ્યો છે અને છેલ્લા 4 અઠવાડિયામાં આઠ વખત ત્રાટકીને લોકોની ચેઇન, મંગળસુત્ર અને અછોડા આંચકી લુંટ ચલાવી છે.  હદ તો ત્યારે થઇ હતી જ્યારે એક જ દિવસમાં ચેઇન સ્નેચીંગના ચાર બનાવો નોંધાયા હતા.

પોલીસે પુષ્ટિ કરી હતી કે ભોગ બનેલા લોકોમાં સાત મહિલાઓ અને 16 વર્ષીય એક છોકરો છે. ભોગ બનેલા તમામ લોકો ચાલતા જતા હતા ત્યારે તેમને નિશાન બનાવી સોનાની ચેઇન અથવા ગળાના હાર લુંટી લેવાયા હતા. આ તમામ બનાવો શનિવાર, 30 જુલાઈ અને મંગળવાર, 27 ઓગસ્ટની વચ્ચે નોંધાયા હતા. શનિવાર, 27 ઓગસ્ટના રોજ એક જ દિવસમાં ચેઇન સ્નેચીંગની ચાર ઘટનાઓ બની હતી. કેટલાક કિસ્સાઓમાં ચોરીઓ કરવા બાઇકનો પણ ઉપયોગ કરાયો હતો.

લેસ્ટર પોલીસે લાઇમ રોડ, એવિંગ્ટનમાં ગુરુવાર, 8 ઓગસ્ટના રોજ બનેલી એક ઘટના અને 27 ઓગસ્ટ, શનિવારના રોજ બનેલી ચાર લુંટ માટે 34 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. શનિવાર, 30 જુલાઈ અને ગુરુવાર, 4 ઓગસ્ટના રોજ બનેલી ઘટનાઓ સંદર્ભે કોઈની ધરપકડ કરાઇ નથી.

ઇસ્ટ લેસ્ટર નેઇબરહૂડ પોલીસિંગ ટીમે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી સ્થીનિક રહેવાસીઓને સાવચેતી રાખવા જણાવી ધ્યાન દોર્યું હતું કે ખોવાયેલી જ્વેલરીની “ઇમોશનલ વેલ્યુ” વાસ્તવિક કિંમત કરતા વધારે હોઈ શકે છે. કેમ કે આવા દાગીના પેઢી દર પેઢી સોંપવામાં આવે છે. વળી મંગલસૂત્ર જે તે હિંદુ મહિલાઓને પતિ દ્વારા વિશેષ પ્રસંગોએ ભેટ અપાય છે.”

પોલીસે લોકોને તેમની તમામ જ્વેલરીના ફોટોગ્રાફ્સ રાખવા, શક્ય હોય ત્યાં બેંક અથવા સેફ ડિપોઝિટ બોક્સનો ઉપયોગ કરવા અથવા ઘર માટે તિજોરી ખરીદવા વિનંતી કરી છે. પોલીસ અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને વ્યક્તિગત સુરક્ષા માટે સાવચેતીઓ રાખવા વિનંતી કરી છે.

ચેઇનસ્નેચીંગની તાજેતરની ઘટનાઓ:

  • શનિવાર, 30 જુલાઈના રોજ બેલગ્રેવમાં બ્રુઈન સ્ટ્રીટ ખાતે 24 વર્ષની મહિલાને લુંટાઇ.
  • ગુરુવારે, 4 ઓગસ્ટના રોજ 16 વર્ષના છોકરાને લુંટાયો.
  • ગુરુવાર, 4 ઓગસ્ટે મૂર્સ રોડ, બેલગ્રેવમાં 57 વર્ષીય મહિલાને લુંટાઇ.
  • સોમવાર, 8 ઓગસ્ટના રોજ લીમ રોડ, એવિંગ્ટનમાં 57 વર્ષીય મહિલાને લુંટાઇ.
  • શનિવાર, 27 ઓગસ્ટના રોજ કિચનર રોડ, સ્પિની હિલ્સમાં 64 વર્ષીય મહિલાને લુંટાઇ.
  • શનિવારે, 27 ઓગસ્ટના રોજ બ્રુન્સવિક સ્ટ્રીટ, સેન્ટ મેથ્યુસમાં 47 વર્ષની મહિલાને લુંટાઇ.
  • શનિવાર, 27 ઓગસ્ટના રોજ કોસિંગ્ટન સ્ટ્રીટ, બેલગ્રેવમાં 65 વર્ષની મહિલાને લુંટાઇ.
  • શનિવાર, 27 ઓગસ્ટના રોજ મેલ્ટન રોડ, બેલગ્રેવમાં 29 વર્ષીય મહિલાને લુંટાઇ.

LEAVE A REPLY

6 + seventeen =