The biggest rise in interest rates in 33 years
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બેંક ઓફ ઈંગ્લેન્ડે તા. 3ના રોજ વ્યાજના દરો 0.75%થી વધારીને 3% કરી દેતા મોરગેજ, ક્રેડિટ કાર્ડનું દેવું અને ઓવરડ્રાફ્ટ બેંક લોન ધરાવનારા લોકો પર જાણે કે આભ તૂટી પડ્યું છે. બેંક ઓફ ઈંગ્લેન્ડે કરેલો આ વ્યાજ દર વધારો 1989 પછીનો એટલે કે 33 વર્ષમાં સૌથી મોટો વધારો છે. દેશના આર્થિક સ્થિતીની આ હાલત જોતાં બેંકે ચેતવણી આપી છે કે દેશ સૌથી લાંબી અને બે વર્ષની “ખૂબ જ પડકારજનક” મંદીનો સામનો કરી રહ્યું છે અને તે રેકોર્ડરૂપ સૌથી લાંબી હશે.

દેશમાં ફુગાવો 40 વર્ષમાં સૌથી વધુ છે ત્યારે  લિઝ ટ્રસની સરકાર દરમિયાન થયેલી આર્થિક ઉથલપાથલને પગલે આજનો દિવસ જોવા મળી રહ્યો છે. જોકે ઋષિ સુનકે લડા પ્રધાન તરીકે સત્તા સંભાળી ત્યારથી સ્થિતિ થોડી શાંત થઈ છે. સુનકે આ મહિનાના અંતમાં રાષ્ટ્રની નાણાકીય સ્થિતિ સુધારવા માટે એક નવી યોજનાનું વચન આપ્યું છે. પરંતુ તેમાં લોકોના માથે પર કરનો વધારો અને ખર્ચમાં ઘટાડો અપેક્ષિત છે. ચાન્સેલર જેરેમી હન્ટે યુકેની આર્થિક સમસ્યાઓને “ફિક્સ કરવા” માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

એક ન્યૂઝ કોન્ફરન્સમાં બોલતા બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઈલીએ ચેતવણી આપી હતી કે ‘’આગળનો સમય મુશ્કેલ છે, પરંતુ મને ખાતરી છે કે અર્થવ્યવસ્થામાં રીકવરી થશે.

થિંક ટેન્ક ‘રિઝોલ્યુશન ફાઉન્ડેશન’ કહે છે કે ‘’આ વધારાથી ઘર ઘરાવતા લોકોને સૌથી વધુ ફટકો પડશે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારો કોસ્ટ-ઓફ-લિવિંગ કટોકટીથી પરેશાન છે જ ત્યારે મોરગેજ ધારકો ઉપરાંત ઘણા લોકોને તે અસર કરશે. દરેક વ્યક્તિ લાંબા સમય સુધી ડબલ-અંકના ફુગાવાથી પ્રભાવિત થશે, પરંતુ ગરીબ પરિવારોને ખાદ્યપદાર્થોની કિંમતો અને એનર્જી બિલમાં વધારો થવાથી સૌથી વધુ અસર થશે. સરકારે બજારોને પણ શાંત કરવાની જરૂર પડશે અને ઘરોને જીવનનિર્વાહ ખર્ચના સૌથી ખરાબ વાવાઝોડાથી પણ બચાવવા પડશે.”

બેંક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે ઘણા લોકોને “આગળના મુશ્કેલ રસ્તા”નો સામનો કરવો પડશે કારણ કે બેન્ક વધતી જતા ફુગાવાને કાબૂમાં રાખવા માંગે છે.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડના વ્યાજ દરના વધારા અને સૌથી લાંબી મંદીની ચેતવણીના કારણે પાઉન્ડમાં ઘટાડો થયો છે અને સરકારી ઋણની કિંમતમાં વધારો થયો હતો. બેંકની જાહેરાત બાદ પાઉન્ડ યુએસ ડોલર સામે ઘટીને $1.1170 થયો હતો. એટલે કે 2 સેન્ટથી વધુનો ઘટાડો થયો છે. જેની સામે મોટા ભાગની મોટી કરન્સી સામે ડૉલર ઊંચો રહ્યો હતો. પાઉન્ડ સૌથી નબળો છે.

ફિક્સ્ડ-રેટ પ્રોડક્ટ્સ ધરાવનારા હાલના મોરગેજ-ધારકોનું પ્રમાણ લગભગ 80% જેટલું છે. પરંતુ જ્યારે તેમનો ફિક્સ પીરીયડ સમાપ્ત થશે ત્યારે તેમને વ્યાજના વધારાના કારણે મોરગેજની ચુકવણીમાં વધારાનો સામનો કરવો પડશે. હાલમાં જેઓ 2.5% ના દરે મોરગેજ ધરાવે છે તેમની મોરગેજ ટર્મ પૂરી થતા 20 વર્ષ માટે £130,000નું નવું મોરગેજ લેનારે 5.5% ના દરે નવુ મોરગેજ લેવું પડશે. જે તેમના બિલમાં લગભગ £3,000નો વધારો કરશે.

લેબર અને લિબ ડેમ પાર્ટીઓએ ટોરી સરકારની ટીકા કરતા કહ્યું હતું કે પરિવારોને કંઝર્વેટિવ દ્વારા ઉભી થયેલી અરાજકતા માટે કિંમત ચૂકવવા માટે છોડી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

seven + seven =