The Indian team also topped the Test rankings
(ANI Photo)

રવિવારે ભારતના બે બેટ્સમેને રનની આતશબાજી સાથે સદીઓ નોંધાવી હતી તો એ પછી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે વેધક બોલિંગ દ્વારા શ્રીલંકાની બેટિંગની કમર તોડી નાખી હતી, જેના પગલે ભારતના પાંચ વિકેટે 390 પછી શ્રીલંકા ફક્ત 73 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતે 317 રનના વર્લ્ડ રેકોર્ડ માર્જિનથી આ ત્રીજી અને અંતિમ વન-ડે જીતી લીધી હતી અને પ્રવાસી ટીમનો ત્રણ વન-ડેની સીરીઝમાં 3-0થી વ્હાઈટ વોશ કર્યો હતો. અગાઉની ત્રણ ટી-20ની સીરીઝમાં શ્રીલંકાએ એક મેચમાં વિજય તેમજ એકમાં વિજયની ખૂબજ નજીક પહોંચી ભારતને સારી ટક્કર આપી હતી, પણ આ ત્રણ વન-ડેની સીરીઝમાં તેનો દેખાવ સાવ ફિક્કો રહ્યો હતો અને ભારતે ત્રણે મેચમાં મોટા તફાવત સાથે વિજય નોંધાવ્યો હતો. 

કેરાલાના પાટનગર થિરૂવનંથપુરમ્ ખાતે રવિવારે વિરાટ કોહલીએ 8 છગ્ગા અને 13 ચોગ્ગા સાથે 110 બોલમાં અણનમ 166 તથા ઓપનર શુભમન ગિલે 116 રન કરી ભારતના 390 રનના જંગી સ્કોરમાં મુખ્ય ફાળો આપ્યો હતો. તે સિવાય રોહિત શર્માએ 42 અને શ્રેયસ ઐયરે 38 રન કર્યા હતા. શ્રીલંકાના સુકાની સનાકાએ સાત બોલર્સ અજમાવ્યા હતા, જેમાં હસરંગા 10 ઓવરમાં ફક્ત 54 રન આપી સૌથી વધુ કિફાયત રહ્યો હતો, જો કે તેને એકપણ વિકેટ મળી નહોતી. 

જવાબમાં શ્રીલંકાના ધબડકાની શરૂઆત બીજી જ ઓવરથી થઈ ગઈ હતી, સિરાજે આવિષ્કા ફર્નાન્ડોની વિકેટ ઝડપી હતી. એ પછી, તેણે ચોથી ઓવરમાં કુસલ મેન્ડિસને વિદાય કર્યો હતો, તો સાતમી ઓવરમાં શમીએ અસલંકાની વિકેટ ખેરવી હતી. શ્રીલંકાની સૌથી મોટી – 22 રનની ભાગીદારી નવમી અને છેલ્લી વિકેટની રહી હતી. સિરાજે 10 ઓવરમાં એક મેઈડન સાથે ફક્ત 32 રન આપી ચાર વિકેટનો પોતાનો શ્રેષ્ઠ વન-ડે દેખાવ કર્યો હતો, તો શમી અને સ્પિનર કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. ફિલ્ડીંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયેલો અશેન બંડારા બેટિંગ કરવા આવ્યો નહોતો. 

વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધી મેચ અને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો. 

બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે વિજયઃ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ગુરૂવારે (12 જાન્યુઆરી) રમાયેલી બીજી વન-ડેમાં ભારતે શ્રીલંકાને ચાર વિકેટે હરાવી સીરીઝ કબજે કરી લીધી હતી. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતાં 39.4 ઓવરમાં 215 રનમાં તે ઓલઆઉટ થઈ ગઈ હતી. એ પછી ભારત માટે પણ ટાર્ગેટ સાવ સહેલો તો નહોતો રહ્યો, પણ કે. એલ. રાહુલે ધિરજપૂર્વક બેટિંગ કરી એક છેડો બરાબર સાચવ્યો હતો અને 43.2 ઓવરમાં છ વિકેટ ગુમાવી ભારતને વિજયની મંઝિલે પહોંચાડી દીધું હતું. 

શ્રીલંકા તરફથી નુવાનિડુ ફર્નાન્ડોએ સૌથી વધુ 50 રન કર્યા હતા, તો ભારત તરફથી સિરાજ અને કુલદીપ યાદવે 3-3, ઉમરાન મલિકે બે અને અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી. 

જવાબમાં રાહુલે 103 બોલમાં અણનમ રહી 64 તથા હાર્દિક પંડ્યાએ 53 બોલમાં 36 રન કર્યા હતા. કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. 

પ્રથમ વન-ડેમાં શ્રીલંકાનો 67 રને પરાજયઃ ગુવાહાટીમાં મંગળવારે (10 જાન્યુઆરી) રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતે પહેલા બેટિંગ કરતાં સાત વિકેટે 373 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો, જેના જવાબમાં સુકાની સનાકાની સદી છતાં શ્રીલંકા 50 ઓવર્સમાં આઠ વિકેટે ફક્ત 306 રન સુધી પહોંચી શક્યું હતું.

ભારત તરફથી વિરાટ કોહલીએ 113, સુકાની રોહિત શર્માએ 83, શુભમન ગિલે 70 તથા રાહુલે 39 રન કર્યા હતા, તો શ્રીલંકા તરફથી રજીથાએ 83 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. 

જવાબમાં શ્રીલંકા તરફથી ઓપનર નિસાંકાએ 72, ધનંજય ડીસિલ્વાએ 47 તથા સુકાની સનાકાએ અણનમ 108 રન કર્યા હતા. ભારત તરફથી ઉમરાન મલિકે ત્રણ તથા સિરાજે બે વિકેટ લીધી હતી. કોહલીને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

LEAVE A REPLY

4 × five =