Border dispute between Maharashtra and Karnataka
મહારાષ્ટ્ર અને કર્ણાૉટક વચ્ચેના સીમા વિવાદને પગલે કર્ણાટક રક્ષા વેદિકના સમર્થકોએ દેખાવો કર્યા હતા. . (ANI Photo)

ભાજપ શાસિત કર્ણાટક અને ભાજપનું સમર્થન ધરાવતી મહારાષ્ટ્ર સરકાર વચ્ચે મંગળવાર, 27 ડિસેમ્બરે સીમા વિવાદ વધુ ભડક્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભાએ કર્ણાટકના 865 મરાઠી ભાષી ગામડાને કાનૂની રીતે મહારાષ્ટ્રમાં ભેળવી દેવા માટે સર્વસંમતીથી એક ઠરાવ પસાર કર્યો છે. કર્ણાટક વિધાનસભાએ રાજ્યના હિતોનું રક્ષણ કરવા અને પાડોશી રાજ્યને એક ઇંચ પણ જમીન ન આપવાનો ઠરાવ પસાર કર્યાના થોડા દિવસો બાદ આ મહારાષ્ટ્ર સરકારે પગલું ભર્યું છે.

કર્ણાટકના ઠરાવમાં મહારાષ્ટ્ર દ્વારા “સર્જિત” સરહદ વિવાદની પણ નિંદા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કર્ણાટકના પગલાની નિંદા કરવા માટે વિધાનસભાના બંને ગૃહોમાં ઠરાવ દાખલ કર્યો હતો અને પડોશી રાજ્ય પર હેતુપૂર્વક સરહદ વિવાદને વેગ આપવાનો આરોપ મૂક્યો હતો.

મહારાષ્ટ્રના ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે બંને રાજ્યોના મુખ્ય પ્રધાનો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા, ત્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આ મામલામાં પોતાનો ચુકાદો ન આપે ત્યાં સુધી તે સુનિશ્ચિત કરવું જોઈએ કે આ મુદ્દો વધુ વકરે નહીં. જો કે, કર્ણાટક સરકારે તેની રાજ્ય વિધાનસભામાં એક ઠરાવ પસાર કરીને વિપરીત વલણ અપનાવ્યું છે.

બંને રાજ્યો વચ્ચે સરહદનો મુદ્દો છેક 1957નો છે. તે સમયે ભાષાના આધારે રાજયોનું પુર્નગઠન કરવામાં આવ્યું હતું તત્કાલીન મહારાષ્ટ્ર સરકારે કર્ણાટક સાથેની તેની સરહદને પુર્નગઠન કરવાની માંગ કરી હતી. આ પછી બંને રાજ્યો દ્વારા ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. મહારાષ્ટ્રે બેલાગવી પર દાવો કર્યો હતો, કારણ કે તે અગાઉના બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ હતો અને તેમાં મોટી સંખ્યામાં મરાઠી ભાષી વસ્તી છે. તેને 800થી વધુ મરાઠી-ભાષી ગામો પર પણ દાવો કર્યો જે હાલમાં કર્ણાટકનો ભાગ છે.

LEAVE A REPLY

5 × four =