Holi festival in Gujarat Nature also changed color, rain with thunder everywhere
અમદાવાદમાં હોલિકા દહન March 6, 2023. REUTERS/Amit Dave

ગુજરાતના અનેક જિલ્લામાં 6 માર્ચે હોળીના તહેવારે જ કુદરતે પણ રંગ બદલ્યો હતો અને અને લોકો હોલિકા દહન કરી રહ્યાં હતા ત્યારે કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો હતો. અગાઉ શનિવાર અને રવિવારે પણ પણ અનેક જિલ્લામાં ભારે પવનો અને કરા સાથે વરસાદ આવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવાર અમદાવાદ, ગાંધીનગર, ડાંગ અને દાહોલ જિલ્લામાં વરસાદ પડી શકે છે.

સોમવારે અમરેલીના બગસરામાં 23 મીમી, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં 13 મીમી, ડાંગ જિલ્લાના સુબીરમાં 12 મીમી, ગાંધીનગરના માણસામાં 10 મીમી અને અમદાવાદના માંડલમાં 8 મીમી વરસાદ નોંધાયો હતો.

સોમવારે 40થી 50 કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વડોદરામાં ઝાડ ધરાશાયી થતાં પાર્ક કરેલા વાહનો દટાયા તો અમદાવાદમાં પણ પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ફરતી થઈ હતી. અમરેલી જિલ્લામાં કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો હતો.

ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણામાં કરા પડ્યા હતા. અગાઉ રવિવારે સુરેન્દ્રનગરના પાટડીમાં વહેલી સવારે કરા પડ્યા હતા. જ્યારે વલસાડ, પાટણ, બનાસકાંઠા, ભુજ અને ગોંડલના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કચ્છના રાપરમાં વીજળી પડવાને કારણે એક યુવકનું મોત પણ થયું હતું. જંબુસરમાં એક વ્યક્તિનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ દરમિયાન હવામાન વિભાગે હજી 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો અને અનેક જગ્યાએ વરસાદની સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન વડનગરમાં બપોરે બાદ ભારે પવન ફૂંકાતા વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ. ધૂળની ડમરીઓ ઉડતા સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અગાઉ હવામાન વિભાગે ગુજરાતમાં 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી હતી. જેના પગલે સૌરાષ્ટ્ર, દક્ષિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો. ધારી તાલુકામાં ધોધમાર વરસાદ સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ હતી. કચ્છમાં પણ કમોસમી વરસાદના ઝાપટા પડ્યા. ભુજમાં અનેક જગ્યાએ માવઠું પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા..

અંકલેશ્વર પંથકમાં હોળીના દિવસે વાતાવરણમાં પલટા વચ્ચે વાવાઝોડા સાથે પવન ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. જ્યારે ભરુચના જંબુસરમાં ભારે પવન ફૂંકાતા ઘર આંગણે બેસેલી મહિલા પર વૃક્ષ પડતાં ઘટનાસ્થળે મોત થયું.

LEAVE A REPLY

2 × one =