Zeenat Aman's success is attributed to Devanand
(ANI Photo)

એક જમાનામાં બોલીવૂડમાં ગ્લેમર અને સ્ટારડમનો પર્યાય ગણાતા ઝીન્નત અમાને 1970માં હલચલ ફિલ્મથી કારકિર્દી  શરૂ કરી હતી. જોકે, તેને યોગ્ય સફળતા દેવઆનંદની ક્લાસિક ફિલ્મ ‘હરે રામ હરે ક્રિશ્ના’થી મળી હતી. આ ફિલ્મનું યાદગાર ગીત ‘દમ મારો દમ…’ દાયકાઓથી સંભળાતું અને ગવાતું આવ્યું છે. આ ફિલ્મે ઝીન્નત અમાનને રાતોરાત સ્ટાર બનાવી દીધાં હતાં. તેમણે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન, પોતાના માટે દેવઆનંદ જ સ્ટાર મેકર હોવાનું કહ્યું હતું.

ઝીનત અમાન થોડા મહિનાઓ પહેલાં જ ઈન્સ્ટાગ્રામ પર જોડાયાં છે. સફેદ વાળ સાથેના જાજરમાન લૂકમાં ફોટોગ્રાફ્સ શેર કરવાની સાથે તેઓ અમૂલ્ય યાદગીરીઓ પણ પોસ્ટ કરતા રહે છે. દરેક ફોટોગ્રાફની પાછળ રસપ્રદ સ્ટોરી કહેવાની ખાસિયત ધરાવતા ઝીન્નતે દેવઆનંદ સાથેના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, બોલીવૂડ જેવી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનાર દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને સ્ટાર મેકર મળે. કેટલાક એવા હોય છે, જેમને ખરી ક્ષમતા દેખાય છે, જેની વ્યક્તિને પોતાને જ ખબર હોય છે.

આવી વ્યક્તિ ખૂબ ઓછા નસીબદાર લોકોને મળે છે, પણ હું હતી. મારા સ્ટાર મેકર દેવ સાબ હતા. ઝીન્નતે વધુમાં જણાવ્યું હતું કે, 1970માં ડાયરેક્ટર ઓ.પી. રાલહને હલચલ ફિલ્મમાં નાનો રોલ આપ્યો હતો. આ રોલની ખાસ નોંધ લેવાઈ ન હતી અને કદાચ આ બાબતનો અફસોર રાલહનને પણ હતો. તે સમયે બેગ પેક કરીને મારી માતા પાસે માલ્ટા જવાનું વિચારતી હતી. દરમિયાન દેવઆનંદ અને નવકેતનની ટીમ સાથે તેમણે મુલાકાત કરાવી. આ મુલાકાત દરમિયાન તે પોતાની પાઈપમાં તમાકુ ભરી રહી હતી. મીટિંગ પૂરી થઈ અને કેટલાક દિવસો પછી લેન્ડલાઈન પર ફોન આવ્યો. મને સ્ક્રિન ટેસ્ટ માટે બોલાવવામાં આવી હતી અને આ રીતે ફિલ્મમાં રોલ મળ્યો.

મારો પરિવાર પરત જવા તૈયાર થઈ ગયો હતો, પરંતુ દેવઆનંદે તેમને ભારતમાં રોકાવા સમજાવ્યા. તેથી અમે માલ્ટાના બદલે કાઠમંડુ પહોંચ્યા અને ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી હું અને મારી માતા મુંબઈ છોડવા માગતા હતા. આ સમયે પણ દેવઆનંદે ભારત નહીં છોડવા સમજાવ્યા. ઝડપથી ફિલ્મનું એડિટિંગ પૂર્ણ કરવાની તેમણે ખાતરી આપી. ફિલ્મ થોડા દિવસો બાદ રિલીઝ થઈ અને હું રાતોરાત સ્ટાર બની ગઈ. ત્યાર પછી દેવઆનંદે મને ધ્યાનમાં રાખીને વધુ એક ફિલ્મ લખી અને પછી તો ભારત છોડવાનો વિચાર જ પડતો મૂકી દીધો.

LEAVE A REPLY

five × five =