ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરિઝમાં ભારતે રવિવારે રમાયેલી ત્રીજા અને છેલ્લી મેચમાં વિજય મેળવીને ભારતે વ્હાઇટવોશ કર્યો હતો. (PTI Photo/Swapan Mahapatra)

ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરિઝમાં ભારતે રવિવારે રમાયેલી ત્રીજા અને છેલ્લી મેચમાં વિજય મેળવીને ભારતે વ્હાઇટવોશ કર્યો હતો. કોલકાતામાં રમાઈ રહેલી સીરિઝની અંતિમ ત્રીજી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાન પર 184 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધારે 56 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સેન્ટનરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. આ ટાર્ગેટ સામે ન્યૂઝીલેન્ડની ટીમ 17.2 ઓવરમાં 111 રનો પર ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ ભારતે 3-0ના ક્લિન સ્વીપ સાથે શ્રેણી પર શાનદાર વિજય મેળવ્યો હતો.

મોટા સ્કોરનો ચેઝ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી. ડેરેલ મિશેલ 5 રન બનાવીને આઉટ થયો હતો. માર્ટિન ગુપ્તિલે 36 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 51 રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જો કે, તે પછી ન્યૂઝીલેન્ડની ટીમનો ધબડકો વળી ગયો હતો. માર્ક ચેપમેન 0 રન પર, ટીમ સીફર્ટ 17 રનો પર, જેમ્સ નીશમ 3 રન બનાવી, જ્યારે કેપ્ટન સેન્ટનર 2 તેમજ મિલ્ને 7 રન પર આઉટ થયો હતો. આ ઉપરાંત ઈશ સોઢી 9 રન, લોકી ફર્ગ્યુસન 14 રન અને ટ્રેન્ટ બોલે 2 રન બનાવ્યા હતા. 17.2 ઓવરમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 111 રન બનાવી શકી હતી. આ સાથે ભારતે 73 રનોથી શાનદાર જીત હાંસલ કરી હતી.

ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં રોહિત શર્માનું નસીબ કામ કરી ગયું છે. આ સીરિઝની ત્રણેય મેચોમાં ભારતે ટોસ જીત્યો હતો. ઓપનિંગ માટે ઉતરેલાં કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશનની જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિત શર્માએ 31 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની સાથે 56 રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જ્યારે ઈશાન કિશને 29 રન બનાવ્યા હતા. જો કે, બાદમાં ભારતીય ટીમના બેટ્સમેન એક બાદ એક આઉટ થઈ ગયા હતા. સૂર્યકુમાર યાદવ 0 રન પર તો ઋષભ પંત 4 રન બનાવીને પેવેલિયન પરત મોકલ્યો હતો. જ્યારે શ્રેયસ ઐય્યરે 25 રન તો વેંકટેશ ઐય્યરે 20 રન બનાવ્યા હતા. જો અંતે હર્ષલ પટેલ 18 રન બનાવ્યા હતા. જો ચહરે 8 બોલમાં 2 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી 21 રન બનાવ્યા હતા.