ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજા ટેસ્ટ મેચમાં ભારતના બોલરે આર અશ્વિનને બેન સ્ટોક્સની વિકેટ લીધી હતી. . (PTI Photo)

ભારત – ઇંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ મેચ ફક્ત બે જ દિવસમાં પૂરી થઈ જવાથી હોહા મચી ગઈ હતી, ત્યારે ઈતિહાસ તરફ એક નજર કરીએ તો ફક્ત બે દિવસમાં પૂરી થઈ ગઈ હોય તેવી કુલ ૨૨ ટેસ્ટ રમાઈ છે. તેમાંથી બે મેચમાં ભારત રમ્યું છે અને બંને વખત તે વિજેતા રહ્યું છે. આ અગાઉ ભારતની ૧૪ જુન ૨૦૧૮ના રોજ અફઘાનિસ્તાન સામેની બેંગલોર ટેસ્ટ મેચ બે દિવસમાં જ પુરી થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયા – ઇંગ્લેન્ડ વચ્ચે ૧૮૮૨માં ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાયેલી ટેસ્ટ બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયા તેમાં વિજેતા રહ્યું હતું. તે ટેસ્ટ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની ફક્ત નવમી જ મેચ હતી. બે દિવસમાં પૂરી થયેલી ૨૨ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ નવ વખત, ઓસ્ટ્રેલિયા આઠ વખત, સાઉથ આફ્રિકા અને ભારત બે-બે વખત અને ન્યૂઝીલેન્ડ એક વખત વિજેતા રહ્યું છે. વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન તથા આયરલેન્ડ ક્યારેય આ રીતે બે દિવસમાં પૂરી થયેલી ટેસ્ટ મેચ જીત્યા નથી.

ક્રિકેટના ઇતિહાસની પહેલી ૫૦ ટેસ્ટ મેચ સુધીમાં તો મેચ બે દિવસમાં પૂરી થવાના નવ પ્રસંગો બન્યા હતા. તેમાં પણ ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ૩૨મી ટેસ્ટ મેચ, એમ સળંગ પાંચ ટેસ્ટ બે દિવસમાં જ પુરી થઈ ગઈ હતી. છેલ્લે 20 વર્ષ પહેલા, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં ૧૭ ઓગસ્ટ ૨૦૦૦ના રોજ રમાયેલી ટેસ્ટ બે દિવસમાં પૂરી થઈ હતી.