(Photo by STR/AFP via Getty Images)

જેકી શ્રોફના પુત્ર ટાઇગર અને તેની ફ્રેન્ડ-અભિનેત્રી દિશા પટાણીને મુંબઇમાં લોકડાઉનનો ભંગ કરીને ફરવાનું ભારે પડી ગયું છે. આ બંને સામે પોલીસે ફરિયાદ નોંધી છે.

મુંબઈ પોલીસે આ ઘટના પછી લોકોને સોશિયલ મીડિયા પર સલાહ આપી છે કે, કોરોના વાઇરસ સામે ચાલી રહેલી લડાઈમાં બાંદ્રાના રસ્તા બે કલાકારોને ફરવું મોંઘુ પડી ગયું છે. આ બંને સામે બાંદ્રા પોલીસ મથકમાં કેસ કરવામાં આવ્યો છે. અમે તમામ મુંબઈવાસીઓને અપીલ કરીએ છે કે, કારણ વગરની હીરોપંતી કરવાની જરૂર નથી.

આમ મુંબઈ પોલીસે ટાઈગર શ્રોફ અને દિશાની ફિલ્મોના નામ સાથે ટ્વિટ કરીને આ બંને સામે થયેલી કાર્યવાહીમાંથી સબક શિખવાનો લોકોને અનુરોધ કર્યો છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનના ભાગરૂપે મુંબઈમાં બપોરના બે વાગ્યા બાદ કારણ વગર ફરવાની મનાઈ હતી. તાજેતરમાં દિશા અને ટાઈગર પોતાની કારમાં ફરતા નજરે પડ્યા હતા. મુંબઈ પોલીસે તેમની પૂછપરછ કરી હતી પણ તેઓ બહાર નીકળવા માટે સંતોષજનક જવાબ આપી શક્યા નહોતા. પોલીસે તેમને તે સમયે આધાર કાર્ડ ચેક કરીને જવા દીધા હતા. પછી લોકડાઉનમાં કારણ વગર બહાર નીકળવા બદલ તેમની સામે બાંદ્રા પોલીસ મથકમાં કાર્યવાહી કરવામાં આવી હતી.