મધદરિયે એસ. એસ. ટિલાવા પર કરાયેલા આક્રમક હુમલામાં બચી ગયેલા એક માત્ર જીવીત અને સદનસીબ વ્યક્તિ છે સાઉથ લંડનના થોર્નટન હીથમાં વસતા ૮૩ વર્ષના અરવિંદભાઈ જાની. મૂળ જામનગરના જોડિયા ગામના અરવિંદભાઈ ૩ વર્ષના હતા ત્યારે તેમની માતા વસંતગૌરી તેમને લઇને એસ. એસ. ટિલાવામાં મંબઇથી મુસાફરી કરીને મોમ્બાસામાં રહેતા પતિ સાથે જઇ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.

અરવિંદભાઇએ નાની ઉંમરે શું થયું હતું તે તો તેમને યાદ નથી, પરંતુ તેમને તેમની માતા વસંતગૌરી લાભશંકર જાની (જન્મ: 1913 – રહે: જોડીયા બંદર, જી. જામનગર) એ કહેલા કિસ્સાઓ બરાબર યાદ છે.

અરવિંદભાઈએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, ‘’ત્યારે હું માત્ર ત્રણ વર્ષનો હતો. જ્યારે મારા બીજા 3 ભાઇ બેન વતન જોડીયામાં હતા. હું નાનો હોવાથી મારા મમ્મીએ મને સાથે લીઘો હતો. તે ભયાનક રાતને મારી મમ્મી ક્યારેય ભૂલી શકી નહોતી. તે રાત્રે અમે સૌ કેબિનમાં ભોંયતળીયે સુઇ રહ્યા હતા ત્યારે અચાનક જ બોટમાં પાણી ભરાવા લાગતા અમારી પથારીઓ ભીની થઇ ગઇ હતી. શીપના કર્મચારીઓએ પહેલા મહિલાઓ અને બાળકોને લાઇફ બોટમાં બેસાડવાનું નક્કી કરતા મારા મમ્મીએ તુંરત જ જેટલા સોનાના દાગીના હતા તે પહેરી લીધા હતા અને મને બચાવવા માટે પોતાની સાડી સાથે પીઠ પર બાંધી દીધો હતો. અમને સૌને એક પછી એક દોરડા દ્વારા લાઇફ બોટમાં ઉતારવામાં આવ્યા હતા. એક એક બોટમાં 20ની જગ્યાએ 25 લોકોને બેસાડવામાં આવ્યા હતા આવી 18 બોટમાં લોકોને બચાવાયા હતા.’’

અરવિંદભાઇએ જણાવ્યું હતું કે ‘’અમારૂ શીપ એક તરફ ડૂબી રહ્યું હતું ત્યારે તે તરફની લાઇફ બોટો પણ શીપના દબાણથી ડૂબી ગઇ હતી. સદનસીબે અમારી લાઇફ બોટ બીજી તરફ હોવાથી ડૂબી ન હતી. પૂનમની એ રાતે ચારેય તરફ કાળા સમુદ્ર પર અમે લાશોના ઢગલા તરતા જોયા હતા. અમારે સૌએ લાઇફ બોટમાં રખાયેલા બિસ્કિટ ખાઇને પેટ ભરવું પડ્યું હતું. એ લાઇફ-બોટમાંના અમે બધા ફફડતા જીવે 16 કલાક જેટલો સમય રહ્યા હતા અને છેવટે અમને સૌને HMS બર્મિંગહામ શીપે બચાવ્યા હતા. જે શિપ અમને સૌને પરત લઇને મુંબઇ આવ્યું હતું. કોઇ જ પ્રકારના સરસામાન વગર મારી હાલત કફોડી હતી. પરંતુ વિવિધ સેવા સંસ્થાઓ અને લોકોએ અમને કપડા, ખાવા-પીવાની વ્યવસ્થા કરી હતી.‘’

અરવિંદભાઇએ જણાવ્યું હતું કે ‘’ટિલાવા શીપ ડૂબી ગયું હોવાના સમાચાર મળતા મારા પિતા મોમ્બાસામાં અને મારા દાદી જોડીયામાં અમારા બન્નેના નિધન માટે શોક મનાવતા હતા. મારા મમ્મીએ એક પોસ્ટકાર્ડ મારા દાદીને લખીને જણાવ્યું હતું કે અમે બન્ને જણા બચી ગયા છીએ. ત્યારે સૌમાં જીવ આવ્યો હતો. તે પછી મારા મમ્મી જોડીયા ગયા હતા અને ફરી એક વખત અમે સૌ ઑગસ્ટ 1943માં મોમ્બાસા જવા નીકળ્યા હતા. કાશ સોલંકી અને તેમના પુત્ર એમિલ સોલંકી આ અંગે બહુ કામ કરી રહ્યા છે અને તેમણે તા. 23ના રોજ મુંબઇમાં યોજેલા કાર્યક્રમમાં ભાગ લેવા હું અને મારી પત્ની અરૂણા જાની ભારત જઇ રહ્યા છીએ.’’

LEAVE A REPLY

seventeen − six =