પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં છેલ્લાં એક સપ્તાહથી કોરોનાના નવા બે લાખ કરતાં વધુ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે દેશમાં હવે કોરોનાનો નવો મ્યુટન્ટ મળી આવ્યો છે. કોરોનાના ડબલ મ્યુટેશન બાદ હવે ટ્રિપલ મ્યુટેશન એટલે કે કોવિડના ત્રણ અલગ-અલગ સ્ટ્રેઈનથી મળીને બનેલો નવો વેરિયન્ટ છે. નવો કોરોના દેશના કેટલાક ભાગોમાં નોંધાયો છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ટ્રિપલ મ્યુટન્ટના કેટલાક કેસ સામે આવ્યા હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે નવા વેરિયન્ટ્સના કારણે જ સમગ્ર વિશ્વમાં કેસ વધી રહ્યા છે.

મેકગિલ યુનિવર્સિટના એપિડેમિઓલોજીના પ્રોફેસર ડોક્ટર મધુકર પાઈએ જણાવ્યું હતું કે, આ વધારે ચેપી વેરિયન્ટ છે. તેનાથી લોકો વધારે ઝડપી બીમાર થઈ રહ્યા છે. આપણે વેક્સીનમાં સતત સુધારા કરવા પડશે. તેના માટે આપણે રોગને સમજવો પડશે. તેમણે ઉમેર્યું હતું કે, ડબલ મ્યુટેશનને ડિટેક્સ કરવામાં થયેલા વિલંબના કારણે દેશમાં કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મ્યુટેશનના કારણે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કેસની સંખ્યા વધી છે. આ ટ્રિપલ મ્યુટેશન કેટલો ચેપી છે અથવા તો કેટલો ઘાતક છે તે તો તેનો વધારે અભ્યાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે. હાલમાં ભારતમાં ફક્ત 10 લેબ જ છે જ્યાં વાયરસ જીનોમનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ડબલ મ્યુટેશનના કારણે સંક્રમણનો દર વધી ગયો છે અને બાળકોને પણ તેનો ચેપ લાગી રહ્યો છે.