88 percent voting in Tripura assembly elections
ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023 માટે મત આપવા માટે મતદારો કતારમાં રાહ જોઈ રહ્યા છે.(ANI Photo)

ત્રિપુરામાં તમામ 60 બેઠકો માટે ગુરુવાર, 16 ફેબ્રુઆરીએ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એકંદર શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 88 ટકા મતદાન થયું હતું. 2013 અને 2018ની વિધાનસભા ચૂંટણીમાં અનુક્રમે 91.82 ટકા અને 89.38 ટકા મતદાન થયું હતું.

રાજ્યના મતદારોએ કુલ 259 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ કર્યું હતું. સત્તાધારી ભાજપ ત્રિપુરાની 60માંથી સૌથી વધુ 55 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે, જ્યારે તેના સાથી પક્ષ ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT)એ છ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. 20 વર્ષના લાંબા કાર્યકાળ પછી 2018માં BJP-IPFT ગઠબંધન સામે હારી ગયેલો ડાબો મોરચો 47 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. રાજ્યમાં પહેલીવાર ડાબેરીઓ સાથે ગઠબંધન કરનાર કોંગ્રેસે 13 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

તાજેતરમાં રાજ્યમાં પુનઃસ્થાપિત થયેલા બ્રુ આદિવાસી શરણાર્થીઓએ પ્રથમ વખત મતદાનમાં ભાગ લીધો હતો. રાજ્યમાં કુલ 37,136 બ્રુ વસ્તીમાંથી 14,005 મતદાન કરવા પાત્ર છે.

ચૂંટણીમાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હતી. પોલીસે જણાવ્યું હતું કે બે ઘટનાઓમાં ત્રણ CPI(M) કાર્યકરો ઘાયલ થયા હતા. 13.53 લાખ મહિલાઓ અને 65,000 નવા સહિત કુલ મળીને 28.13 લાખ મતદારો હતા.
પ્રાદેશિક ટિપ્રા મોથા 42 બેઠકો પરથી કોઈપણ સહયોગી વગર ચૂંટણી મેદાનમાં છે. કુલ 58 અપક્ષો પણ મેદાનમાં છે. નોંધનીય છે કે ટિપ્રા મોથાના સુપ્રીમો પ્રદ્યોત કિશોર દેબબર્મા, રાજ્યના પૂર્વ રાજવી પરિવારના સભ્ય અને ત્રિપુરા આદિવાસી વિસ્તાર સ્વાયત્ત જિલ્લા પરિષદના સભ્ય છે. પરંતુ તેઓ ચૂંટણી લડી રહ્યા નથી.

LEAVE A REPLY

12 + 8 =