તુર્કી દેશનું નામ બદલીને ‘તુર્કીયે’ કરવામાં આવ્યું છે. રેચેપ તૈયબ એર્દોઆનની સરકારે દેશના નામમાં કરેલા સત્તાવાર ફેરફારને યુનાઇટેડ નેશન્સે પણ માન્યતા આપી છે. તુર્કી હવે સત્તાવાર રીતે રિપબ્લિક ઓફ તુર્કિયે તરીકે ઓળખાશે. તુર્કીના વિદેશ પ્રધાને કહ્યું હતું કે યુનાઇટેડ નેશન્સને પત્ર લખીને સત્તાવાર રીતે તુર્કિયે નામનો ઉપયોગ કરવાની વિનંતી કરી છે. યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગ્યુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડયુજેરિકે એક નિવેદનમાં કહ્યું હતું કે તુર્કીનો પ્રસ્તાવ મળ્યો છે. યુએને એ પ્રસ્તાવને માન્ય રાખીને તાત્કાલિક અસરથી સત્તાવાર નામ તુર્કીને બદલે તુર્કિયે કર્યું છે. હવેથી તમામ લેખિત અને સત્તાવાર દસ્તાવેજો કે નિવેદનોમાં તુર્કિયે નામ લખાશે અને બોલાશે.
તુર્કીના પ્રમુખ રેચપ તૈયબ એર્દોઆને ગત વર્ષે ડિસેમ્બરમાં જ સરકારી દસ્તાવેજોમાં તુર્કીને બદલે તુર્કિયે પ્રયોજવાનું શરૂ કર્યું હતું. સરકારે કહ્યું હતું કે આ નામમાં તુર્કીની ખરી સાંસ્કૃતિક ઓળખ છતી થાય છે. આ ગાળામાં ઉત્પાદકોને મેડ ઈન તુર્કીને બદલે મેડ ઈન તુર્કિયે લખવાનો આદેશ કરાયો હતો. આમ તો તુર્કી છેક ૧૯૨૩થી જ પોતાને તુર્કિયે નામથી ઓળખાવે છે. આંતરિક બોલચાલમાં કે સાંસ્કૃતિક રીતે આ નામ જ પ્રયોજાતું આવે છે. વૈશ્વિક સંગઠનોને નામ બદલીને તુર્કિયે કરવાનો પત્ર તુર્કીની સરકારે પાઠવ્યો છે. ઉત્તર અમેરિકન પક્ષીનું નામ પણ ટર્કી છે. એ નામની સાથે દેશના નામની ગેરસમજ અટકાવવા તેમ જ સંસ્કૃતિને વધારે સારી રીતે તુર્કિયે નામથી રજૂ કરી શકાતી હોવાથી આ નામ આપ્યું હોવાનું સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું.