ઇસ્લામના કથિત અપમાન બદલ ઉદયપુરમાં મંગળવાર, 28 જૂને હિન્દુ દરજીની ગળુ કાપીને હત્યા કરનારા મુખ્ય આરોપી ગૌસ મોહંમદ અને રિયાઝ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ રાજસ્થાનનના ઉદયપુરમાં બે મુસ્લિમ કટ્ટરવાદીઓ દ્વારા દરજી યુવકની ઘાતકી હત્યાના મામલે ત્રાસવાદ વિરોધ ગેરકાયદેસર પ્રવૃત્તિ (નિવારણ) ધારા હેઠળ કેસ દાખલ કર્યો છે. રાજસ્થાન પોલીસે આ કેસ એનઆઇએને ટ્રાન્સફર કર્યો છે. બીજી તરફ રાજસ્થાનના પોલીસ વડાએ જણાવ્યું હતું કે બેમાંથી એક મુખ્ય આરોપી પાકિસ્તાન સ્થિત સંગઠન દાવત-એ-ઇસ્લામ સાથે લિન્ક ધરાવે છે અને 2014માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.

NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે NIAની ટીમ ઉદયપુર પહોંચી ગઈ છે અને આ કેસની ઝડપી તપાસ માટેની જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. આરોપીઓએ દેશભરમાં ગભરાટ અને આતંકનો માહોલ ઊભો કરવા માટે સોશિયલ મીડિયામાં આ જઘન્ય કૃત્યનો વીડિયો ફરતો કર્યો હતો.

રાજસ્થાનના ડીજીપી એમ એલ લાઠેરે જણાવ્યું હતું કે પોલીસે આ હત્યામાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે. રિયાઝ અખતારી અને ઘૌસ મોહંમદે ઇસ્લામના અપમાનનો બદલો લેવા મંગળવારે ઉદયપુરમાં કન્હૈયાલાલનું ગળુ કાપીને નિર્મમ હત્યા કરી હતી. ઘૌસ મોહંમદ કરાચી સ્થિત ઇસ્લામિક સંગઠન દાવાત-એ-ઇસ્લામ સાથે જોડાયેલો છે. બંને આરોપી આ સંગઠન સાથે જોડાયેલા છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આવી શક્યતા નકારી શકાય નહીં, કારણ કે બંને સમાન રીતે સંડોવાયેલા છે. આ સંગઠન મુંબઈ અને દિલ્હીમાં ઓફિસ ધરાવે છે. રિયાઝ વેલ્ડર તરીકે કામ કરે છે. કન્હૈયાલાલની હત્યામાં ઉપયોગ કરાયેલા તીક્ષ્ણ હથિયાર ચારથી પાંચ વર્ષ પહેલા રિયાઝે બનાવ્યું હતું.

આરોપીઓને તાકીદે ફાંસીએ ચડાવાની ઉગ્ર માગણી

ઉદયપુરમાં કરફ્યૂ લાદવામાં આવ્યા હોવા છતાં કન્હૈયાલાલના અંતિમસંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કન્હૈયાલાલના ઘરે એકઠા થયેલા લોકોએ ‘ભારત માતાની જય’, અને ‘કન્હૈયાલાલ હમ શર્મિદા હૈ, તેરે કાતિલ જિંદા હૈ’ના સૂત્રોચ્ચાર કર્યો હતો.’ લોકોએ આરોપીને તાકીદે ફાંસીએ ચડાવી દેવાની પણ ઉગ્ર માગણી કરી હતી. કેટલાંક લોકોએ અશોકનગર સ્મશાન ઘાટની નજીક આવેલા મુસ્લિમના કબ્રસ્તાનના ગેટ પર પથ્થરમારો કરીને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

મુસ્લિમ સંગઠનોએ હત્યાની નિંદા કરી

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત ઉલેમા-એ-હિન્દ જેવા મુસ્લિમ સંગઠનોએ ઉદયપુરની હત્યાને બિનઇસ્લામિક ગણાવી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઇ વ્યક્તિ કાયદાને હાથમાં લઈ શકે નહીં. દિલ્હી જામા મસ્જિદના ઇમામ સઇદ અહમદ બુખારીએ આ હત્યાને ઇસ્લામ વિરુદ્ધનું કૃત્ય ગણાવ્યું હતું. મુસ્લિમ પર્સનલ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુસ્લિમોએ દેશમાં કોમી સંવાદિતતાને નુકસાન કરે તેવા કૃત્ય ન કરવા જોઇએ.

રાજસ્થાનમાં ઠેરઠેર દેખાવો, પોલીસ પર તલવારથી હુમલો

રાજસમંદ જિલ્લાના ભીમ શહેરમાં લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને કોન્સ્ટેબલ પર તલવારથી હુમલો કર્યો હતો. લોકોનું ટોળું એક મસ્જિદ પર હુમલો કરવા કૂચ કરી રહ્યું હતું ત્યારે પોલીસે તેમને અટકાવવા માટે ટીયગેસના શેલ છોડ્યા હતા. ઇજાગ્રસ્ત પોલીસ જવાનને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ડુંગરપુરમાં પણ વિરોધી દેખાવો થયા હતા. આ ઉપરાંત પાલી, જાલોર, સિકર, શ્રીગંગાનગરમાં બજારો બંધ રહ્યાં હતા અને લોકોએ હનુમાનચાલીસના પાઠ કર્યા હતા.