(Getty Images

બ્રિટનમાં કોરોનાવાઈરસના કેસ અને નવા ચેપમાં તીવ્ર વધારો થઇ રહ્યો છે અને રોજના નવા નોંધાતા કેસની સંખ્યા 3,000 ઉપર પહોંચી ગઇ છે. વિતેલા સપ્તાહમાં શનિવારે (5 સપ્ટેમ્બર) નોંધાયેલા 1,813 કેસથી ઘણા વધુ છે. આ વધારાના કારણે ડર ઉભો થયો છે કે બ્રિટનમાં કોરોનાવાઈરસનું અનિયંત્રિત પુનરુત્થાન તો નથી થઇ રહ્યું ને! જો કે આશાનું કિરણ એ છે કે છ સપ્તાહના વધતા જતા કેસોમાં હજી સુધી મોતની સંખ્યામાં વધારો થયો નથી, રવિવારે ઇંગ્લેન્ડમાં ત્રણ મૃત્યુ નોંધાયા હતા અને યુકેનો સત્તાવાર મૃત્યુઆંક 41,551 થયો હતો. યુકેમાં રોગચાળો હવે યુવાન વય જૂથોમાં વધુ પ્રમાણમાં કેન્દ્રિત થઈ રહ્યો છે તેમ જ 40થી ઓછી વયના લોકોમાં 66 ટકા જેટલા નવા ચેપ છે.

રવિવારે નોંધાયેલા 2,988 નવા કેસ 22 મે પછીનો સૌથી વધુ આંકડો છે. વસંત ઋતુમાં સત્તાવાર રીતે એક દિવસમાં 6,000 કેસ હતા અને તે વખતે ટેસ્ટીંગ મોટાભાગે ફક્ત હોસ્પિટલોમાં જ થતું હતું. તે સમયના અંદાજ મુજબ એક દિવસમાં લગભગ 100,000 કેસ થતા હતા. જુલાઈના મધ્યમાં રોજના કેસો લગભગ 350ની નીચી સપાટીએ આવી ગયા હતા. સોમવારે યુકેમાં કોરોનાવાઈરસના 2,948 નવા કેસ નોંધાયા બાદ સરકારના વૈજ્ઞાનિક સલાહકારોએ સખત ચેતવણી આપી છે. મિનિસ્ટર્સે ખાસ કરીને યુવાનોની સામાજિક-અંતરના નિયમોનું પાલન ન કરવા બદલ ટીકા કરી હતી.

હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે જણાવ્યું હતું કે “રોગચાળાના નવા કિસ્સા મુખ્યત્વે યુવાન લોકોમાં છે પરંતુ અમે વિશ્વના અન્ય દેશોમાં અને યુરોપમાં જોયું છે કે યુવાન લોકોમાં આ પ્રકારના ચેપથી સમગ્ર વસ્તીમાં રોગચાળો ફેલાવાનો વધારો થાય છે. લોકો તેમની જવાબદારી વિષે ગંભીર બને તે મહત્વનું છે અને વાઈરસને હળવાશથી લેવો જોઇએ નહીં. સરકારની વ્યૂહરચના સ્પષ્ટ છે, સંરક્ષણની પ્રથમ લાઇન સામાજિક અંતર છે, ત્યારબાદ ટેસ્ટ એન્ડ ટ્રેસિંગ અને પછી સ્થાનિક કાર્યવાહી મહત્વની છે. મેં જ્યાં સ્થાનિક ઉપદ્રવ છે ત્યાં ખૂબ સખત પગલાં લીધાં છે, તે જરૂરી પણ છે. મેં જોયેલા તમામ કેસોમાં તે એસિમ્પ્ટોમેટિક બીજો ચેપ રહ્યો છે. યુવાન લોકો નિયમોનું પાલન નહીં કરે તો યુરોપમાં કોરોનાવાઈરસના કેસો ફરી વધશે.’’

ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર પ્રો. ક્રિસ વ્હિટીએ જણાવ્યું હતું કે ‘’કોવિડ-19નો દર ખાસ કરીને 17થી 29 વર્ષની વયના લોકોમાં વધી રહ્યો છે. લોકો સામાજિક અંતર નહીં જાળવે તો “કોવિડ પાછો આવી શકે છે. સમગ્ર વસ્તીના અસાધારણ પ્રયત્નો દ્વારા અમે કોવિડનો દર તરત જ નીચે લાવી શક્યા છીએ. હવે ખાસ કરીને 17થી 29 વર્ષની વયના લોકોમાં તે ફરીથી વધી રહ્યો છે.”
બર્મિંગહામ યુનિવર્સિટીના માઇક્રોબાયલ જિનોમિક્સના પ્રોફેસર અને મિલ્ટન કીન્સ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપનારા જવાબદાર વૈજ્ઞાનિકોમાંના એક એલન મેકનેલીએ જણાવ્યું હતું કે ‘’નવો ડેટા ખૂબ જ ચિંતાજનક અને ભયાનક છે અને અમને આ માટે વિગતવાર ડેટાની જરૂર છે. ખાસ કરીને, વધારો કેટલો ગંભીર છે તેની આકારણી કરવા માટે ભૌગોલિક વિસ્તાર મહત્વપૂર્ણ છે. આપણે હવે ખરેખર નિયંત્રણ ગુમાવી રહ્યા છીએ કે શું? ”

ઇસ્ટ એંગ્લિઆ યુનિવર્સિટીના મેડિસિનના પ્રોફેસર પૉલ હન્ટરે જણાવ્યું હતું કે ‘’તેમને ભય હતો કે આ રોગચાળો ઘાતક વૃદ્ધિ તરફ વળી રહ્યો છે. જો એમ હોય તો, અમે આવતા અઠવાડિયામાં વધુ વૃદ્ધિની અપેક્ષા રાખી શકીએ છીએ.”
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર યોવોન ડોયલે જણાવ્યું હતું કે ‘’દેશભરમાં ખાસ કરીને નોર્થ ઇંગ્લેન્ડમાં વધારો થયો છે જે આ વાયરસથી થતા જોખમની યાદ અપાવે છે. પબ્લિક હેલ્થ અધિકારીઓએ ચેતવણી આપી છે કે રોગચાળો મોટા પાયે ફરી શરૂ થશે તો વૃદ્ધાવસ્થાના જૂથોને બચાવવા મુશ્કેલ થઈ શકે છે.યુરોપિયન મોલેક્યુલર બાયોલોજી લેબોરેટરીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઇવાન બિર્નીએ જણાવ્યું હતું કે, ‘’કેસોના વધારા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. લોકો રજા પરથી પાછા આવતા હોય છે.