પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નાણાકીય વર્ષના પહેલા સાત મહિનામાં બ્રિટને £215 બિલીયન ઉધાર લીધા છે, બીજી તરફ ચાન્સેલર ઋષિ સુનકે નવી ખર્ચની યોજનાઓ તૈયાર કરતા વધુ પડકારો જણાઇ રહ્યા છે. ઑક્ટોબરમાં દેશનું જાહેર દેવું £2.077 ટ્રિલિયન થયું હોવાનું ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિકે જણાવ્યું છે. ઑક્ટોબરમાં રોઇટર્સના સર્વેમાં તમામ અર્થશાસ્ત્રીઓની આગાહીની નીચે ઋણ £22.3 બિલીયન હતું અને સપ્ટેમ્બરના ઋણમાં તીવ્ર ઘટાડો કરવામાં આવ્યો હતો.

શુક્રવારે પ્રકાશિત થયેલા જુદા જુદા સત્તાવાર આંકડા દર્શાવે છે કે રીટેઇલ વેચાણમાં ઓક્ટોબરમાં 1.2%નો વધારો થયો છે, અને તે એક વર્ષ અગાઉ કરતા 5.8% વધારે છે, જે તમામ સર્વેની આગાહી કરતા વધુ મજબૂત છે. જોકે, રિટેલરોએ નવેમ્બર માસમાં નવા કોરોનાવાયરસ પ્રતિબંધોને લીધે ઘણી દુકાનો બંધ થઈ જતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બ્રિટીશ સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં £400 બિલીયન પાઉન્ડની નજીકની રકમ ઉધાર લેવાની તૈયારીમાં છે, જે બીજા વિશ્વ યુદ્ધ પછીના અર્થતંત્રના કદની સરખામણીએ સૌથી વધુ ઉધારી છે. અખબારોએ અહેવાલ આપ્યો છે કે સુનક શિક્ષકો અને પોલીસના પગારને સ્થિર કરશે, અને સરકારે તેની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો છે કે તે જીડીપીના 0.7% જેટલી જ વિદેશી સહાય કરશે.

બેન્ક ઑફ ઇંગ્લેન્ડે ચેતવણી આપી છે કે કેટલુક લાંબા ગાળાના આર્થિક નુકસાન થવાની સંભાવના છે. ગયા મહિને IMFએ કહ્યું હતું કે આ અંતર ભરવા માટે બ્રિટન રોગચાળા પછી સંભવત: કર વધારશે.