યુકેમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. દેશની ‘મેટ’ ઓફિસે શુક્રવારે ‘નેશનલ ઇમર્જન્સી’ જાહેર કરતા જણાવ્યું છે કે, આવનારા સોમવાર-મંગળવારે તો ગરમીનું પ્રમાણ વિક્રમ-સર્જક ઉંચાઈએ પહોંચે તેવી આશંકા છે.
આ દરમિયાન રાત્રે અસામાન્ય રીતે ગરમી રહેશે. ખાસ તો શહેરી વિસ્તારોમાં તો આ પરિસ્થિતિનો વધુ અનુભવ થશે.
અગાઉ 25 જુલાઈ, 2019ના રોજ કેમ્બ્રિજ યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં 38.7 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું હતું. બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સી અને ‘મેટ’ ઓફિસે દેશના કેટલાક વિસ્તારોમાં ‘લેવલ-૩’નું હીટહેલ્થ એલર્ટ જાહેર કરીને જણાવ્યું છે કે, ગરમીથી લોકોને બચાવવા સોશિયલ અને હેલ્થકેર સર્વિસે સવિશેષ પગલા લેવા પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. ‘મેટ’ ઓફિસે જણાવ્યું છે કે ‘રેડ લેવલ-4’ની સૂચના મેટ ઓફિસની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે ત્યારે સમજવું કે હીટવેવ એટલું તીવ્ર અથવા એટલા લાંબા સમય સુધી રહે તેમ છે કે તેથી સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિઓને પણ તેની માઠી અસર થઈ શકે તેમ છે, ત્યારે હાઇરીસ્ક ગ્રૂપમાં આવતા લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે.