ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળાને પગલે યુકેમાં જુલાઈ દરમિયાન ફુગાવો ડબલ ડિજિટ થઈ 40 વર્ષના નવા ઊંચા સ્તરે સ્પર્શ્યો છે. આર્થિક મંદીના ભય વચ્ચે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) જુલાઈમાં ઉછળી 10.1 ટકા થયો હતો, જે જૂન મહિનામાં 9.4 ટકા હતો, એમ ઓફિસ ઓફ નેશનલ સ્ટેસ્ટિક્સ બુધવાર (17 ઓગસ્ટ)એ જણાવ્યું હતું. ફુગાવાને અંકુશમાં રાખવા માટે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પણ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા છે. સપ્ટેમ્બરમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડની આગામી બેઠકમાં વ્યાજદર અડધો ટકો વધારીને 2.25 ટકા કરવામાં આવે તેવી શક્યતા છે

બેન્ક ઓફ ઇંગ્લેન્ડે આ મહિનાના પ્રારંભમાં ચેતવણી આપી હતી કે યુકેનો ફુગાવો આ વર્ષે વધીને 13 ટકા થઈ શકે છે, જે 1980 પછીથી સૌથી ઊંચો હશે.કોવિડ પછી આખી દુનિયા મોંઘવારીના ભરડામાં ફસાઈ છે. યુકેમાં ગયા મહિનાના ફુગાવાના આંકડા ચોંકાવનારા છે. યુકેના રાજકારણીઓના અંદાજ કરતા પણ વધુ ઝડપથી ફુગાવો વધી રહ્યો છે. તેના કારણે ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી ગઈ છે અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડ પર વ્યાજદરમાં વધારો કરવાનું દબાણ વધ્યું છે.

બેકરી પ્રોડક્ટ, ડેરી, મીટ, શાકભાજીના ભાવ ઉંચકાયા છે. આ ઉપરાંત પેટ ફૂડ, ટોઈલેટ રોલ, ટૂથબ્રશ, ડિઓડરન્ટના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. યુકેમાં આગામી દિવસોમાં ફુગાવાનો દર 13 ટકાને પાર કરી જાય તેવી શક્યતા. છેલ્લે સપ્ટેમ્બર 1980માં માર્ગાગેટ થેચરની સરકાર હતી ત્યારે યુકેમાં ફુગાવાનો દર આટલો વધ્યો હતો.

યુકેમાં હાલમાં ગેસના ભાવમાં પણ તીવ્ર વધારો થયો છે જેના માટે રશિયા-યુક્રેન યુદ્ધને કારણભૂત ગણવામાં આવે છે. બીજી ચીજવસ્તુઓના ભાવ વધવા માટે પણ યુકેએ રશિયાને જવાબદાર ગણાવ્યું છે. સમગ્ર યુરોપમાં ગેસ અને વીજળીના ભાવ વધવા માટે રશિયાને કારણભૂત ગણાવવામાં આવે છે. આ સાથે સાથે બેરોજગારીની સમસ્યામાં પણ વધારો થયો છે. બ્રિટિશ ઈન્ડસ્ટ્રીના ચીફ ઈકોનોમિસ્ટ અલ્પેશ પાલેજાએ જણાવ્યું કે હાઉસહોલ્ડ અને બિઝનેસ માટે જીવનનિર્વાહનો ખર્ચ એટલો વધી ગયો છે કે તેમાં કટોકટીની સ્થિતિ પેદા થઈ શકે છે.

યુકેમાં હાલમાં ઘરમાં ગેસનું સરેરાશ બિલ 2000 પાઉન્ડ આવે છે જે એક વર્ષ અગાઉ 1000 પાઉન્ડ જેટલું આવતું હતું. જાન્યુઆરી સુધીમાં ગેસનો ભાવ વધવાથી બિલ પણ 4000 પાઉન્ડ સુધી વધી જવાની શક્યતા છે. કેટલાક સુપરમાર્કેટ્સે જણાવ્યું કે મોંઘવારીથી પરેશાન ગ્રાહકો સસ્તી પ્રોડક્ટ તરફ વળી રહ્યા છે.