(Photo by Dan Kitwood/Getty Images)

જાન્યુઆરીમાં કોરોનાવાયરસના પ્રકોપ સામે લાદવામાં આવેલા ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનમાંથી બહાર નીકળવાની વ્યૂહરચનાનું અનાવરણ કરતાં વડાપ્રધાન બોરિસ જોન્સને સોમવાર તા. 22ના રોજ જાહેરાત કરી હતી કે જો બધું જ બરોબર પાર ઉતર્યું તો ઇંગ્લેન્ડનું જનજીવન જૂન મહિનામાં વહેલી તકે સામાન્ય થઇ શકે છે. વિવિધ પ્રતિબંધોને સમિક્ષા કર્યા બાદ દર પાંચ અઠવાડિયે વિવિધ પ્રતિબંધોને હળવા કરવામાં આવશે. ઇંગ્લેન્ડમાં 8 માર્ચથી બધી શાળા-કોલેજો અને કેટલીક યુનિવર્સીટીઝ શરૂ કરાશે તો. 29 માર્ચથી છ લોકો સુધી ખુલ્લામાં મિલન, રૂલ ઓફ સિક્સ અથવા બે ઘરોના લોકોને મળવા દેવાશે. 12 એપ્રિલથી બિન-જરૂરી દુકાન, પબ-રેસ્ટોરંટ્સ અને હેરડ્રેસરને કામ શરૂ કરવા મંજૂરી અપાશે. તો બે ઘરના લોકો 17 મેથી ઘરની અંદર મળી શકશે.

બોરીસ જોન્સને લોકડાઉન પ્રતિબંધો હળવા કરવાની યોજનાને ચાર અલગ-અલગ ચરણમાં વહેંચી હતી. જેમાં દેશને સંપૂર્ણ રીતે ગણવામાં આવશે અને હવે કોઇ ટીયર સિસ્ટમમાં પાછા આવશે નહીં. પ્રતિબંધો ચાર સપ્તાહમાં પરિવર્તનની અસરને માપીને દર પાંચમા અઠવાડિયે હટાવવામાં આવશે. આગળના નિયમો અમલમાં આવે તે પહેલાં એક અઠવાડિયાની નોટીસ આપવમાં આવશે. સરકારે ભાર મૂક્યો છે કે રોડમેપમાં નિર્ધારિત તારીખો કોરોનાવાયરસના ચેપના પ્રમાણને આધારે બદલાઈ શકે છે.

હાઉસ ઓફ કોમન્સમાં આપેલા નિવેદનમાં, વડા પ્રધાને જણાવ્યું હતું કે દેશમાંથી પ્રતિબંધો હળવા કરતા પહેલા ચાર પરીક્ષણો કરાશે. જેમાં રસી રોલ-આઉટની સફળતા, કોવિડ રસીના કારણે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓના ઘટાડાના પુરાવા, ચેપના દરના કારણે એનએચએસ પર વ્યાપક દબાણ અને વાયરસના નવા વેરિયન્ટના જોખમને ધ્યાનમાં લેવામાં આવશે.

જોન્સને સ્ટેકેશનને ઉત્તેજન આપ્યું છે. જેને કારણે દેશભરની ચાર અને ફાઇવ સ્ટાર હોટલોમાં માંગમાં વધારો જોવા મળ્યો છે અને હવે 12 એપ્રિલ પછી સ્ટેકેશન માટે હોટેલ બુક કરવાનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે.

જોન્સને જાહેર કર્યું છે કે યુગલો અને સપ્લાયર્સે લગ્ન અને સત્કાર સમારોહ માટે 8 માર્ચ સુધી રાહ જોવી પડશે. તેઓ કોઇપણ સંજોગામાં 21 જૂન પહેલા વિશાળ લગ્નની યોજના કરી શકશે નહિ. 8 માર્ચથી છ લોકોની હાજરીમાં અને 12 એપ્રિલથી 15 લોકોની હાજરીમાં લગ્ન થઈ શકે છે. 17 મેથી અતિથિઓની સંખ્યા 30 થઈ જશે.

વડા પ્રધાને પુષ્ટિ આપી છે કે લોકડાઉન હળવુ કરવા માટે ટીયર્સ સિસ્ટમને રદ કરાઇ છે. હવે પ્રતિબંધો માટેના સ્થાનિક સ્તરોનો ત્યાગ કરવામાં આવશે. દેશમાં સમાન ધોરણે રોગચાળો ફેલાય છે તેથી હવે રાષ્ટ્રીય ધોરણે વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે.

રસીને મળેલી અદભૂત સફળતા

બ્રિટનમાં ઉપયોગમાં લેવામાં આવતી કોવિડ રસીઓને અદભૂત સફળતા મળી છે અને તે સારી રીતે કામ કરી રહી છે. તેનાથી કોરોનાવાયરસથી હોસ્પિટલમાં દાખલ થતાં લોકોમાં 95 ટકા જેટલો ઘટાડો થાય છે. સંશોધનકારોના પુરાવા મુજબ રસીના પરિણામો ‘ખૂબ જ પ્રોત્સાહક’ અને ‘તેજસ્વી’ છે અને તે ક્લિનિકલ ટ્રાયલ્સની બહાર પણ કામ કરે છે. આ સફળતાને પગલે સરકારનો રોડમેપ દેશને લૉકડાઉનમાંથી બહાર કાઢવાનું પાયાનું કામ કરશે.
સ્કોટલેન્ડમાં કરાયેલા અભ્યાસના પરિણામોએ બતાવ્યું હતું કે પ્રથમ ડોઝના ચાર અઠવાડિયા પછી, કોવિડથી હોસ્પિટલમાં પ્રવેશવાનું જોખમ અનુક્રમે 85 અને 94 ટકા જેટલું ઘટ્યું હતું. એડિનબરા અને સ્ટ્રેથક્લાઇડ યુનિવર્સિટીઓ, તેમજ પબ્લિક હેલ્થ સ્કોટલેન્ડના વિદ્વાનોએ, એવો દાવો કર્યો હતો કે તેમને મળેલા ડેટા ‘આકર્ષક પુરાવા’ પ્રદાન કરે છે અને બંને રસી ગંભીર બીમારીને અટકાવે છે.

અગ્રણી રીસર્ચર પ્રોફેસર અઝીઝ શેખે કહ્યું હતું કે ‘આ પરિણામો ખૂબ પ્રોત્સાહક છે અને હવે આપણી પાસે રાષ્ટ્રીય પુરાવા છે. સમગ્ર દેશમાં રસીકરણ કોવિડના કારણે થતા હોસ્પિટલ પ્રવેશ સામે રક્ષણ પૂરું પાડે છે. આ ભયંકર રોગને દૂર કરવા હવે વૈશ્વિક સ્તરે રસીના પ્રથમ ડોઝના રોલ-આઉટને વેગ આપવાની જરૂર છે.’

લોકડાઉન સરળ થવાના ચાર તબક્કા

પ્રથમ ચરણ: 8 માર્ચ

સરકાર ફેસ ટૂ ફેસ શિક્ષણને પ્રાથમિકતા પવા માંગે છે. જેના કારણે 8મી માર્ચથી, ઇંગ્લેન્ડની શાળાઓ અને કોલેજોમાં બધા વિદ્યાર્થીઓ પાછા ફરશે. રેપ અરાઉન્ડ ચાઇલ્ડકેર, આફટર અને બીફોર સ્કૂલ ક્લબ શરૂ થશે જેથી વાલીઓ પોતાના નોકરી ધંધા પર પાછા ફરી શકે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જો અભ્યાસ પૂર્ણ કરવા વ્યવહારિક શિક્ષણની જરૂર હશે તો તેઓ યુનિ કેમ્પસમાં પાછા આવી શકશે. ઇસ્ટર હોલીડેના અંતે આ ગે સમીક્ષા કરાશે. સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ફરજીયાત માસ્ક પહેરવો પડશે.

લોકો મનોરંજન માટે બહારની એક વ્યક્તિને મળી શકશે. કેર હોમ નિવાસીઓ એક નિર્ધારીત નામવાળી વ્યક્તિને મળી શકશે. જો કે મુલાકાતીએ રેપીડ ટેસ્ટ આપવો પડશે, પી.પી.ઇ. પહેરવું પડશે અને ઓછામાં ઓછો શારીરિક સંપર્ક રાખવો પડશે.

આ સમય દરમિયાન લોકોએ ઘરે જ રહેવું પડશે અને બિન-આવશ્યક મુસાફરી પર હજી પ્રતિબંધ રહેશે. લોકોને બહાર એક અન્ય વ્યક્તિને મળવાની મંજૂરી છે.

તા. 29 માર્ચઃ ખાનગી બગીચામાં છ લોકો સુધી આઉટડોર મેળાવડાને અથવા બે ઘરના મોટા જૂથને મંજૂરી આપવામાં આવશે. ટેનિસ અને બાસ્કેટબૉલ જેવી આઉટડોર રમતોને મંજૂરી મળી છે અને આયોજિત આઉટડોર રમતોમાં લોકો ભાગ લઈ શકશે. ઘરે જ રોકાવાનો નિયમ સમાપ્ત થશે પણ લોકોને ‘સ્થાનિક વિસ્તારમાં જ રહેવા પ્રોત્સાહિત કરાશે. લોકોને શક્ય હોય ત્યાં મુસાફરી ઓછી કરવા અને રાત્રે ઘરથી દૂર ન રહેવા જણાવાયું છે. શક્ય હોય ત્યાં લોકોને ઘરેથી કામ કરવા વિનંતી કરાઇ છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધ યથાવત રખાયો છે. ઘણા લોકડાઉન પ્રતિબંધો યથાવત રહેશે.

કોવિડ-સલામત કાઉન્સિલ, મેયર, પોલીસ અને ક્રાઈમ કમિશનરની ચૂંટણી તા. 6 મેના રોજ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાશે. 8 માર્ચથી પ્રચાર ઝુંબેશને લગતી પ્રવૃત્તિ માર્ગદર્શન અને કાયદાને અનુરૂપ કોવિડ-સુરક્ષિત રીતે થાય તે જોવાનું રહેશે. સ્કોટિશ અને વેલ્શ સરકારો તેમની ચૂંટણીઓ માટે પગલા લેશે.

બીજુ ચરણ: 12 એપ્રિલ

નોકરીઓ અને આજીવિકાને પુનસ્થાપિત કરવા અને લોકોને કેટલીક પ્રવૃત્તિઓ અને સેવાઓનો લાભ મળ તે આશયે નોન-એશેન્શીયલ રિટેલ, હેરડ્રેસર, હેર અને નેઇલ સલુન્સ ખોલવા, લાઇબ્રેરીઓ, મ્યુઝીયમ્સ, આર્ટ ગેલેરી શરૂ કરવા માટે મંજૂરી અપાઇ છે.

હોસ્પિટાલીટી અને થીમ પાર્ક જેવા એટ્રેક્શનને કેટલાક સ્વરૂપમાં ફરીથી ખોલવા માટે મંજૂરી અપાઇ છે. જો કે, ઘરમાં હળવા મળવા પર પ્રતિબંધ રહેશે અને બહાર મળવા માટે હજી પણ છ લોકો અથવા બે ઘરો સુધી મર્યાદિત રહેશે. જીમ અને સ્વિમિંગ પુલ ખોલાશે પરંતુ લોકોએ પોતાની જાતેજ જવાનું રહેશે.

પબ્સ અને રેસ્ટૉરન્ટ ફરીથી ખોલાશે પણ ગ્રાહકોને પરિસરની બહાર ખુલ્લામાં જ પીરસવામાં આવશે. તેમાં પણ બે ઘરના લોકો અથવા રૂલ ઓફ સિક્સનું પાલન કરવાનું રહેશે. ટેબલ પરથી જ ઓર્ડર લેવામાં આવશે. જ્યાં ઇન્ડોર ફેસેલીટી શેર નહિં થતી હોય તેવી કેમ્પસાઇટ્સ અને હોલીડે લેટ્સ ફરીથી ખોલી શકાશે. પરંતુ એક જ ઘરના લોકો હોલીડે પર જઇ શકશે. અંતિમ સંસ્કારમાં 30 લોકો અને લગ્નના રિસેપ્શનમાં 15 લોકો સામેલ થઇ શકશે.

ત્રીજુ ચરણ: 17 મે

ત્રીજુ ચરણ 17 મે પહેલા શરૂ નહીં થાય અને બીજા ચરણના ડેટા અને ચાર પરીક્ષણોની વધુ સમીક્ષા પછી જ ત્રીજુ ચરણ શરૂ કરાશે. સરકાર યોજના મુજબ પ્રતિબંધો હળવા કરવા કે નહિં તેની એક સપ્તાહ અગાઉથી જાહેરાત કરશે. કોવિડ-સેફ માર્ગદર્શિકા અમલમાં રહેશે અને પરિસરમાં કાયદાકીય મર્યાદા કરતા મોટા જૂથને રહેલવા દેવાશે નહિ.
પાર્ક જેવા સ્થળે 30થી વધુ લોકોના મેળાવડા પ્રતિબંધ રહેશે. ઘરની અંદર છ લોકો અથવા બે ઘરના વધુ લોકો મળી શકશે. જો કે, તે નિયમો હળવા કરવા સમીક્ષા કરાશે.

પબ અને રેસ્ટૉરન્ટ્સ અને અન્ય હોસ્પિટાલીટી સ્થળે છ લોકો અને બે ઘરના મહત્તમ લોકો જઇ શકશે. પરંતુ પબની બહાર વધુ લોકોને મળવા દેવાશે. સિનેમાઘરો અને બાળકોના રમતના ક્ષેત્ર, હોટલો અને બી એન્ડ બી, ઇન્ડોર એડલ્ટ સ્પોર્ટ્સ ગૃપ અને કસરતના વર્ગો ફરીથી ખોલી શકાશે.

સ્પોર્ટ્સ અને પર્ફોર્મન્સ માટે 1,000 લોકોની ક્ષમતાવાળા અથવા અડધા ભરેલા સ્થાનમાં જે ઓછા હોય તેમને ઇન્ડોર સ્થળોએ રમતગમત અને પર્ફોર્મન્સ કાર્યક્રમોમાં મંજૂરી અપાશે. બહારના સ્થળે 4,000 લોકો અથવા ક્ષમતાના અડધા લોકોને મંજૂરી આપવામાં આવશે. મોટા આઉટડોર સ્ટેડિયમમાં, 10,000 જેટલા ચાહકો કે સ્ટેડીયમની ક્ષમતાના ચોથા ભાગના લોકોમાંથી, જે પણ ઓછી સંખ્યા હશે તેમને મેચમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.
લગ્નો પરના નિયમોને વધુ હળવા કરી 30 લોકોને સત્કાર સમારંભો, ક્રીશ્ચનીંગ અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા દેવાશે.

કૉવીડ પાસપોર્ટ્સ અથવા ‘કોવિડ સ્ટેટસ સર્ટિફિકેશન’ જેવા દસ્તાવેજો બહાર પાડવા કે કેમ તેની સમીક્ષા કરી ચોથા ચરણ પહેલાં અહેવાલ આપવામાં આવશે. અર્થતંત્રને ફરીથી ખોલવામાં અને જીવનને સરળ બનાવવામાં આ પગલું મદદ કરી શકે છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં પગલાંની સમીક્ષા પણ ચોથા ચરણ પહેલાં કરાશે.

ચોથુ ચરણ: તા. 21 જૂન

સરકાર ચોથા ચરણમાં સામાજિક સંપર્ક પરના બાકીના તમામ નિયંત્રણો હટાવવાની અને અર્થવ્યવસ્થાના ક્ષેત્રોને ફરીથી ખોલવાની આશા રાખે છે. ઉદાહરણ તરીકે, નાઇટ ક્લબ્સને સંપૂર્ણ રીતે ફરીથી ખોલવાની કે મોટી ઇવેન્ટ્સ અને પ્રદર્શન પરના પ્રતિબંધો પણ દૂર કરી શકાય છે. તે સેટિંગ્સમાં ચેપનું જોખમ ઘટાડવા માસ-પરીક્ષણનો ઉપયોગ કરી શકાય છે. સરકાર લગ્ન અને અન્ય પ્રસંગો પરના તમામ પ્રતિબંધોને દૂર કરી શકે છે.
જો કે સરકારે કહ્યું છે કે તમામ પુખ્ત વયના લોકોએ રસી આપ્યા પછી પણ રસીનું કવરેજ અને અસરકારકતા 100 ટકા રહેતી ન હોવાના કારણે પગલાં લેવાની જરૂર પડી શકે છે. આવા સંજોગોમાં વસ્તીના નોંધપાત્ર લોકો ચેપ માટે સંવેદનશીલ રહેશે, જેમાંથી કેટલાક ગંભીર રોગ અને મૃત્યુ માટે પણ સંવેદનશીલ રહેશે.