રશિયા અને યુક્રેને અનાજ અને ફર્ટિલાઇઝરની નિકાસ માટે યુએન સાથે કરાર કર્યા છે. બંને દેશોએ તુર્કી અને યુનાઇટેડ નેશન્સ સાથે અલગ અલગ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે, તેનાથી આ યુદ્ધગ્રસ્ત દેશોમાંથી લાખ્ખો ટન અનાજની નિકાસનો માર્ગ મોકળો થશે અને વૈશ્વિક ફૂડ કટોકટીને હળવી કરવામાં મદદ મળશે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અનાજની નિકાસ બંધ થઈ હતી.

રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઇ શોઇગુ અને યુક્રેનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાન ઓલેકસન્દર કુબ્રાકોવે યુએના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસ અને તુર્કીના સંરક્ષણ પ્રધાન હુલુસી અકાર સાથે અલગ અલગ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે તુર્કીના વડાપ્રધાન અર્દોગન હાજર રહ્યાં હતા. યુએન મહામંત્રીએ આ સમજૂતીઓને આશાનું કિરણ ગણાવી હતી.
આ સમજૂતીને કારણે યુક્રેન 2.2 કરોડ ટન અનાજ અને બીજી કૃષિ પેદાશોની નિકાસ કરી શકશે. તેનાથી કાળા સમુદ્રમાં આવેલા યુક્રેનના ત્રણ મહત્ત્વના પોર્ટ પરથી અનાજ નિકાસ થઈ શકશે. ગુટેરેસે જણાવ્યું હતું કે બ્લેક સી ઇનિશિએટિવ તરીકે ઓળખાતી આ સમજૂતીથી નાદારીની અણી પર રહેલા વિકાસશીલ દેશોને રાહત મળશે અને વૈશ્વિક સ્તરે ખાદ્યાન્નના ભાવને સ્થિર કરવામાં મદદ મળશે.

ઘઉં, મકાઈ અને સનફ્લાવર ઓઇલના વિશ્વના સૌથી મોટા નિકાસકાર દેશોમાં યુક્રેનનો સમાવેશ થાય છે, પરંતુ રશિયાના આક્રમણને કારણે નિકાસ બંધ થશે. આ ડીલથી જહાજોને સેફ પેસેજ આપવામાં આવશે. ઇસ્તંબુલમાં કંટ્રોલ સેન્ટ્રર બનશે, જેમાં યુએન, તુર્કી, રશિયા અને યુક્રેનના અધિકારીઓ હશે. જહાજમાં શસ્ત્રો મોકલવામાં આવે છે કે નહીં તેની તપાસ કરાશે.

રશિયા અને યુક્રેનના અધિકારીઓએ એકબીજાના અનાજ શિપમેન્ટને બ્લોક કરવાના આક્ષેપ કર્યા હતા. મોસ્કો જહાજોને સેફ પેસેજ આપવા પોર્ટ પરથી દરિયાઇ સુરંગો યુક્રેન દૂર ન કરતુ હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ યુક્રેન દાવો કરતું હતું કે રશિયાએ તેના પોર્ટને બ્લોક કર્યા છે અને કાળા સમુદ્ર પર મિસાઇલ હુમલાથી નિકાસ કરવાનું મુશ્કેલ બન્યું છે.