વિશ્વભરમાં શાંતિ સ્થાપવા માટે થતી ચર્ચાઓમાં મહિલાઓને બહાર રાખવાનું પુરુષોએ બંધ કરવું જોઈએ, તેમ યુનાઇટેડ નેશન્સના વડા એન્ટોનિયો ગુટેરેસે તાજેતરમાં જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે, યુક્રેન અને રશિયાના યુદ્ધ જેવા ઘર્ષણોમાં પરિસ્થિતિ ખરેખર ‘પાછળ તરફ સરકી રહી છે.’ યુએન સેક્રેટરી જનરલે જણાવ્યું હતું કે, યુક્રેનથી અફઘાનિસ્તાન, મ્યાનમાર અને માલી સુધીની આવી ચર્ચાઓમાં સ્ત્રી પ્રતિનિધિત્વનો અભાવ દર્શાવે છે કે, ‘સત્તાનું અસંતુલન અને પુરુષપ્રધાન સત્તા આપણને કેવી રીતે નિષ્ફળ બનાવી રહી છે.’ તેમણે સિક્યુરિટી કાઉન્સિલની એક વિશેષ મીટિંગમાં જણાવ્યું હતું કે, ‘પુરુષોને સત્તામાં અને મહિલાઓને બહાર રાખવામાં આવે છે, અને તેના પરિણામે તેમના અધિકારો અને સ્વતંત્રતાઓને ઇરાદાપૂર્વક લક્ષ્યાંક બનાવવામાં આવે છે. પરંતુ શાંતિના નિર્માણ અને તેની જાળવણી માટે તમામ કક્ષાએ મહિલાઓના સમાન ભાગીદારીનો અધિકારની જરૂર છે.’ તેમણે નોંધ્યું હતું કે, યુક્રેન પર રશિયાના આક્રમણના કારણે લાખો મહિલાઓ અને બાળકોને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી છે, જેથી તેઓ તમામ પ્રકારની હેરફેર અને શોષણના વધુ જોખમમાં મૂકાયા છે.’ ‘જે મહિલાઓએ ભાગવાનું પસંદ ન કર્યું, તેઓ હેલ્થકેર અને સામાજિક સેવામાં ફરજ બજાવવામાં મોખરે છે.’અફઘાનિસ્તાન ઉલ્લેખ કરીને સેક્રેટરી જનરલે જણાવ્યું હતું કે, ‘સત્તામાં રહેલા પુરુષોએ ઘણા ક્ષેત્રોમાં મહિલાઓને બાકાત રાખવા માટે સક્રિયપણે કામ કર્યું છે, ત્યાં લગભગ 20 મિલિયન અફઘાન મહિલાઓ અને છોકરીઓને મૌન રહેવા જણાવવામાં આવી રહ્યું છે અને તેમનું નામોનિશાન મિટાવવામાં આવી રહ્યું છે.’