IPL starts from March 31, finals on May 28
(ANI Photo)

ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનારી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતની ટીમને પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય જાહેર કર્યા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શનિવારે (4 ફેબ્રુઆરી) એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં વળતો ઘા મારતાં એવું કહ્યું હતું કે, પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાંની તેની મેચો રમવા ભારત નહીં જાય, એ મેચો બીજા દેશોમાં ખસેડવાની પીસીબીએ માંગણી કરી હતી. એશિયન ક્રિકેટ કાઉન્સિલ હવે એશિયા કપ વિષેનો નિર્ણય માર્ચ મહિનામાં મળનારી તેની બેઠકમાં લેશે. 

વન-ડે વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર – નવેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે અને તે પહેલા સપ્ટેમ્બરમાં એશિયા કપ પણ વન-ડે ફોર્મેટમાં, પાકિસ્તાનમાં યોજાવાનો છે. 

એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ છે. તેમણે શનિવારે એસીસીની બેઠક વખતે એવું નિવેદન આપ્યું હતું કે, એશિયા કપના આયોજન વિષે રચનાત્મક ચર્ચા વિચારણા થઈ છે. જો કે, બેઠકમાં ટુર્નામેન્ટ કોઈ નિષ્પક્ષ સ્થળે યોજવા વિષે કોઈ સર્વસંમતિ સધાઈ નહોતી. 

ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ એવું વલણ લીધું હતું કે, બન્ને દેશોની ટીમને એક બીજા દેશનો પ્રવાસ કરવો દેવો કે નહીં તેનો નિર્ણય જે તે દેશના ક્રિકેટ બોર્ડ નહીં પણ સરકાર કરતી હોય છે. આ સંજોગોમાં વન-ડે વર્લ્ડ કપ માટે ભારત નહીં આવવાનો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો નિર્ણય તેમનો છે, એમાં ભારતીય ક્રિકેટ બોર્ડની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં. 

ભારતીય ક્રિકેટ બોર્ડ અને ભારત સરકાર માટે ટીમને પાકિસ્તાનના પ્રવાસે મોકલવામાં ટીમની, ભારતીય ખેલાડીઓની સલામતી ચિંતાનો મુખ્ય વિષય હોય છે. તેની સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એવી દલીલ કરી છે કે તાજેતરમાં શ્રીલંકાની ટીમ 2017 અને 2019માં પાકિસ્તાનના પ્રવાસે આવી હતી, તો બાંગ્લાદેશની ટીમ 2020માં આવી હતી. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો પણ પાકિસ્તાનનો પ્રવાસ તાજેતરમાં ખેડી ચૂકી છે. 

LEAVE A REPLY

12 + nine =