UNO celebrated the birth centenary of Pramukh Swami Maharaj

૭ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મશતાબ્દી પર્વે ભાવાંજલિ આપતા વિશિષ્ટ કાર્યક્રમમાં અંડર સેક્રેટરી જનરલ અને UNAOC (યુનાઈટેડ નેશન્સ અલાયન્સ ઓફ સિવિલાઈઝેશન્સ)ના પ્રતિનિધિ મિગ્વેલ મોરેટિનોસ દ્વારા વિશ્વમાં વિવિધ ધર્મો અને સમુદાયો વચ્ચે સંવાદિતા સ્થાપવામાં સામાજિક, સાંસ્કૃતિક સંસ્થાઓની મહત્વની ભૂમિકા વિષે વાત કરવામાં હતી. ભારતના UN ખાતેના કાયમી પ્રતિનિધિ એવા રુચિરા કંબોજ દ્વારા પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યને અંજલિ આપતું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.
પ્રમુખસ્વામી મહારાજ આંતરધર્મીય સંવાદિતા અને પરસ્પર સંવાદના પુરસ્કર્તા હતા. વર્લ્ડ કાઉન્સિલ ઓફ રિલીજ્યસ લીડર્સ ના સેક્રેટરી-જનરલ બાવા જૈને જણાવ્યું હતું કે ૨૦૦૦માં યોજાયેલી મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિ અને ઐતિહાસિક વ્યક્તવ્યએ સૌ ધર્મના પ્રતિનિધિઓ ઉપર ઊંડો પ્રભાવ પાથર્યો હતો. તેમણે જણાવ્યું કે તે પરિષદમાં પ્રમુખસ્વામી મહારાજે આપેલ સંદેશ ‘સારું એ મારું’ વિશ્વમાં શાંતિ અને સંવાદિતા લાવવામાં ચાવીરૂપ બને તેવો છે.

આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજે આદરેલાં સર્વતોમુખી સેવાકાર્યોની વિડિયો દ્વારા ઝાંખી કરવામાં આવી હતી. સાથે સાથે સ્વયંસેવકોના સ્વાનુભવો દ્વારા ભુજ ભૂકંપ રાહતકાર્ય, શિક્ષણ અને નારી ઉત્થાન, સામાજિક સંવાદિતા વગેરે ક્ષેત્રોમાં પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ પુરુષાર્થ અને પ્રદાનને વર્ણવવામાં આવ્યું હતું.
સેજલબેન પટેલે (હ્યુસ્ટન–મેકીન્ઝીમાં કન્સલ્ટન્ટ) હાર્વે વાવાઝોડા સમયે અને ભુજ ભૂકંપમાં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા દ્વારા કરવામાં આવેલા અભૂતપૂર્વ રાહત સેવાના કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. પ્રોફેસર સેજલ સગલાની (ફેકલ્ટી ઓફ મેડિસિન, ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડન) દ્વારા UKમાં BAPS દ્વારા કરવામાં આવેલાં કોવિડ રાહતકાર્યો અને વેકસીનેશન માટેના પ્રયાસો વિષે સ્વાનુભાવ વર્ણવવામાં આવ્યો હતો.

‘પ્રોજેક્ટ સ્ત્રી’ ના સ્થાપક અને ન્યુયોર્ક યુનીવર્સીટીમાં મેડીકલના વિદ્યાર્થી એવા રિયા સોની તથા ટોરોન્ટોમાં સ્કુલ પ્રિન્સિપાલ આરતી પટેલે જણાવ્યું હતું કે, BAPS સંસ્થામાં વિવિધ પ્રવૃતિઓમાં સ્ત્રીઓને નેતૃત્વ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સમાનતા અને દિવ્યતાના ભાવ સાથે નારીશક્તિને સંસ્થાના સેવાકાર્યોમાં પ્રતિનિધિત્વ માટે આદરપૂર્વક વિપુલ તકો પૂરી પાડવામાં આવે છે.

સંસ્થાના વરિષ્ઠ સંતપૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ તેમના વીડીઓ ઉદ્દબોધનમાં જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ સર્વેમાં ગુણગ્રાહક દ્રષ્ટિ રાખીને તેમની આધ્યાત્મિક ઉન્નતિ થાય એ રીતે સમાજની સેવા કરવા કટિબદ્ધ કરતા. પ્રમુખસ્વામી મહારાજ સર્વેમાં શુભ જોતા, સર્વેમાં ભગવાનને નીરખવાની દ્રષ્ટિ તેમનામાં હતી અને તેમણે પ્રત્યેક મનુષ્ય પર પ્રેમ અને કરુણા વરસાવ્યા. અંતમાં BAPS ના બાલવૃંદ દ્વારા સમગ્ર વિશ્વની શાંતિ અને સુખાકારી માટે વૈદિક શાંતિપાઠનું ગાન કરવામાં આવ્યું હતું.

વેસ્ટમિન્સ્ટર સીટી કાઉન્સિલ, લંડન દ્વારા પ્રમુખસ્વામી મહારાજની તકતીનું વિક્ટોરિયા ટાવર ગાર્ડન ખાતે અનાવરણ

તા ૭ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિક્ટોરિયા ટાવર ગાર્ડન ખાતે લંડન BAPS મંદિરના સંતો અને ટ્રસ્ટીઓ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટમિન્સ્ટર સીટી કાઉન્સિલ દ્વારા મુકવામાં આવેલ તકતીમાં લખાયેલું હતુ, “નીસડન મંદિરના સર્જક પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની (૧૯૨૧-૨૦૧૬) પાવનસ્મૃતિમાં તેઓની માનવજાત પ્રત્યેની નિસ્વાર્થ સેવાને અર્પણ.”

વિશ્વવિખ્યાત વેમ્બલી સ્ટેડીયમની ભવ્ય આર્ક પણ કેસરી રંગમાં ઝળહળી ઉઠી હતી. સ્ટેડીયમ દ્વારા પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પતા શબ્દો હતા – “શાંતિ અને સંવાદિતાના વૈશ્વિક રાજદૂત’.
કેનેડાના વર્તમાન વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોએ તેમના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું, “પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવન અને કાર્યો દ્વારા કેનેડા અને સમગ્ર વિશ્વમાં અમીટ છાપ છોડી છે. કેનેડાએ નિહાળ્યું છે કે BAPS અને આપ સૌ ભક્તો અને સ્વયંસેવકો અહીના સમાજ અને દેશ માટે ઉદાત્ત પ્રદાન કરી રહ્યા છો.”

કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્ટીફન હાર્પરે (૨૦૦૬-૨૦૧૫) તેમના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ એક એવું વ્યક્તિત્વ હતા જેમણે વિરલ સિધ્ધિઓ પ્રાપ્ત કરી હતી. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના મહાન નેતૃત્વમાં BAPS સંસ્થા સામાજિક સમરસતા, શાણપણ અને જ્ઞાનનું પ્રતીક બની ગઈ છે, જે તેના કાર્ય દ્વારા ફક્ત તેમના આધ્યાત્મિક સમુદાયને જ નહિ, પરંતુ સમગ્ર કેનેડા દેશમાં પ્રદાન કરી રહી છે. મને ત્રણ વાર તમારા વિશિષ્ટ કાર્યોના સાક્ષી બનવાનો લ્હાવો મળ્યો. જેમાં એક હતો, ટોરોન્ટો મંદિરના લોકાર્પણનો પ્રસંગ. વડાપ્રધાન તરીકે અને તે પછી પણ BAPS સાથે જોડાવાનો મને હર્ષ છે. પ્રમુખસ્વામી મહારાજની ચેતના અને તેમનો મુલ્યવારસો તમારા દ્વારા આજે જીવંત છે.”

LEAVE A REPLY

three × one =