US Ambassador Garcetti visited Sabarmati Ashram
(ANI Photo)

ભારત ખાતેના નવનિયુક્ત અમેરિકન એમ્બેસેડર એરિક ગાર્સેટીએ ગત સોમવારે અમદાવાદની મુલાકાતે ગયા હતા. તેમણે મુલાકાતની શરૂઆત અમદાવાદમાં સાબરમતિ આશ્રમથી કરી હતી. આ ઉપરાંત કાળુપુરના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતાં, સેલ્ફ એમ્પ્લોય્ડ વિમેન્સ એસોસિએશન (સેવા) સંસ્થાની મુલાકાત લીધી હતી. ગાંધીનગર નજીક ગિફ્ટ સિટીમાં બિઝનેસ અગ્રણીઓ, અને ગુજરાતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી. સાંજે તેમણે મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચેની આઈપીએલની મેચ પણ નિહાળી હતી.

એમ્બેસેડર ગાર્સેટીએ સાબરમતિ આશ્રમની મુલાકાત દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે, આ આશ્રમ ગાંધીજીના અહિંસાના સંદેશ અને ભારતની લોકશાહીના પાયાના મજબૂત પ્રતીક તરીકે ઊભો છે. એમ્બેસેડર તરીકે નવી દિલ્હી બહારની આ મારી પ્રથમ મુલાકાત દરમિયાન આજે તમારી સાથે વાત કરવાનું મારા માટે યોગ્ય સ્થાન છે.
અમદાવાદની આ મુલાકાત ગુજરાત અને અમેરિકા માટે ભારતનું મહત્વ દર્શાવે છે. વિશ્વની સૌથી જૂની લોકશાહી અમેરિકા અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત વચ્ચેનો સંબંધ વિશ્વમાં સૌથી વધુ પરિણામલક્ષી છે. વૈશ્વિક સુરક્ષા અને સમૃદ્ધિના ભવિષ્ય માટે આપણા બે રાષ્ટ્રો કરતાં બીજા થોડાક રાષ્ટ્રો વધુ મહત્ત્વપૂર્ણ છે અને આપણો સંબંધ આપણા લોકો અને વિશાળ વિશ્વ માટે મહત્ત્વનો છે.

તેમણે પાડોશી દેશમાં અશાંતિ અને ભારતમાં સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રોમાં અમેરિકન રોકાણ વચ્ચે પાકિસ્તાનમાં સેનાની કાર્યવાહીને સમર્થન આપવાના ચીનના સંકેતો અંગે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા સાર્વભૌમત્વ અને સરહદોના સન્માનના મુદ્દે સાથે જ રહેશે. બંને દેશો સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવશે. અવકાશ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે.

અમેરિકામાં અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટેના પડતર વિઝાના મુદ્દે, ગાર્સેટીએ જણાવ્યું હતું કે, વેઇટિંગ સમય ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને યુએસ એમ્બેસી તેની કાર્યવાહી કરશે તેમ જ ગત વર્ષ કરતાં પણ વધુ સંખ્યામાં કાર્યવાહી કરાશે. “એમ્બેસેડર તરીકે મારો ધ્યેય અત્યારથી પાંચ વર્ષ અને 20 વર્ષ અંગે વિચારવાનો છે. અમેરિકન પ્રેસિડેન્ટ પણ તેના પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે મને કહ્યું કે તેઓ ઇચ્છે છે કે, આપણે માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ વિઝાનો વેઇટિંગ સમય ઘટાડવા, પ્રથમવારના મુલાકાતીઓ અન્ય લોકોના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીએ.” ડિસેમ્બરથી છેલ્લા ત્રણ મહિનામાં વેઇટિંગ સમયમાં 60 ટકાનો ઘટાડો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવતા વર્ષે તેઓ વેઇટિંગ સમય ઓછો કરશે.

વડાપ્રધાન મોદી આ જૂનમાં અમેરિકામાં પ્રેસિડેન્ટ બાઇડેન સાથે મુલાકાત કરશે તે બાબતે હું રોમાંચ અનુભવું છું. 14 વર્ષમાં ભારતની અમેરિકાની પ્રથમ સત્તાવાર સ્ટેટ મુલાકાત હશે અને બાઇડેન એડમિનિસ્ટ્રેશન દ્વારા આયોજિત માત્ર ત્રીજી સત્તાવાર સ્ટેટ મુલાકાત હશે. આપણે સાથે મળીને વૈશ્વિક આરોગ્યલક્ષી અને વિકાસના પડકારોનો સામનો કરી રહ્યા છીએ, જળવાયુ પરિવર્તન સામે સંઘર્ષ કરી રહ્યા છીએ, અને આવનારી પેઢીને મહત્વપૂર્ણ અને નવી ટેકનોલોજી આપી રહ્યા છીએ. અમે ઈન્ડો-પેસિફિક વિસ્તારના રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ જે મુક્ત અને જાહેર, જોડાયેલ, સમૃદ્ધ, સુરક્ષિત અને સ્થિર છે. આપણે વિશ્વને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે અમેરિકા અને ભારત એકસાથે વધુ સારી રીતે કામ કરે છે. મારા માટે ભારતમાં અમેરિકન એમ્બેસેડર તરીકે, પ્રેસિડેન્ટ બાઇડેનના અંગત દૂત તરીકે, અમેરિકાના લોકોનું પ્રતિનિધિત્વ કરતા, આ સૌથી પરિણામલક્ષી સંબંધની સેવામાં અહીં રહેવું એ જીવનભરનું સન્માન છે.

હું કિશોરવયે પ્રથમવાર ભારત આવ્યો હતો, અને મને અહીં ઘણું જાણવાનું મળ્યું હતું. મને સમજાયું હતું કે, આપણે આ જગતમાં દરેક સ્થાને લોકો સાથે કેટલા ઊંડાણથી જોડાયેલા છીએ, પછી ભલે આપણે ક્યાં રહીએ છીએ તેનું મહત્ત્વ નથી, કઈ ભાષા બોલીએ છીએ, આપણી પાસે કેટલા નાણા છે અથવા આપણે કેવી રીતે પૂજા કરીએ છીએ. હું એક એવું વિશ્વ બનાવવાનું મહત્વ સમજ્યો છું જ્યાં દરેક વ્યક્તિ પાસે તક હોય છે.

હવે હું ભારત પરત આવ્યો છું, શરૂઆતની તે સમજણ ક્યારેય સ્પષ્ટ થઈ નથી. છેલ્લા ત્રણ દાયકામાં ભારતે જે વિકાસ અને પ્રગતિ કરી છે તેની હું એક કિશોર તરીકે, ક્યારેય કલ્પના કરી શક્યો ન હતો. ભારત વિશ્વમાં એક અગ્રણી સત્તા તરીકે આગળ વધી રહ્યું છે.

આપણા બંને દેશો વચ્ચેના સંબંધોની વૃદ્ધિ અને પ્રગતિ પણ એટલી જ સફળ રહી છે. 1992માં, જે વર્ષે હું હિન્દી અને ભારતીય સંસ્કૃતિ તેમ જ ધાર્મિક ઇતિહાસનો અભ્યાસ કર્યા પછી કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયો હતો, ત્યારે અમેરિકા-ભારત સંબંધો સારા નહોતા. આપણો વાર્ષિક વેપાર બે બિલિયન ડોલરનો હતો, આપણા વિકાસ સંબંધો એક-માર્ગીય પ્રવાહના હતા, આપણી વચ્ચે સંરક્ષણ વેપાર શૂન્ય હતો અને આપણી વચ્ચે સેનાલક્ષી સંબંધો અસ્તિત્વમાં નહોતા. અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી વિશે કોઈ વિચારતું પણ નહોતું. હવે જુઓ કેટલું પરિવર્તન આવ્યું છે! આજે, આપણે ઈતિહાસની મહત્વની ક્ષણે ઊભા છીએ.

હકીકતમાં, હું ભારત આવ્યો તે અગાઉ, મેં પ્રેસિડેન્ટ બાઇડેન સાથે અમેરિકા-ભારત વચ્ચેની ભાગીદારી માટેની તેમના વિચારો જાણ્યા હતા અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન ક્ષણ કેટલી મહત્વપૂર્ણ છે. તે સમગ્ર વિશ્વ માટે નિર્ણાયક છે, પરંતુ ખાસ તો આપણા બે દેશો માટે, જે આજે આપણે કરીએ છીએ તે મુદ્દાઓ પર ક્યારેય સાથે કામ કર્યું નથી. આ એક મોટું કામ કરવાની ક્ષણ છે અને મારી તીવ્ર માન્યતા છે કે અમે આ ક્ષણ માટે તૈયાર છીએ, અમે આ ક્ષણમાં સાથે છીએ. આ પ્રદેશમાં અને વિશ્વમાં તેના દૂરોગામી યોગદાનને કારણે ભારત અહીં અમારી સાથે છે.

LEAVE A REPLY

six + 10 =