પ્રતિકાત્મક તસવીર (istockphoto)

બાઇડેન એડમિનિસ્ટ્રેશને અફઘાનિસ્તાનને માનવતાના ધોરણે વધુ 308 મિલિયન ડોલરનું દાન કરવાનું આયોજન કર્યું છે. આ અંગે વ્હાઇટ હાઉસે તાજેતરમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબરથી આ ગરીબ દેશ અને અફઘાન રેફ્યુજીઓને આ 782 મિલિયન ડોલર જેટલી કુલ અમેરિકન સહાય કરવામાં આવી છે.

આ ઉપરાંત અમેરિકાએ અફઘાનિસ્તાનને કોરોના વાઇરસ માટે રસીના વધારાના એક મિલિયન ડોઝ પણ આપ્યા છે, અને અત્યાર સુધીમાં કુલ 4.3 મિલિયન ડોઝ અફઘાનિસ્તાને આપવામાં આવ્યું હોવાનું વ્હાઇટ હાઉસે વધુમાં જણાવ્યું હતું.

સરકારે જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ તરફથી આ મદદ સ્વતંત્ર માનવતાવાદી સંગઠનો દ્વારા સંકલન કરીને શેલ્ટર, આરોગ્ય સંભાળ, ઠંડીમાં મદદ, તાત્કાલિક આહાર, પાણી, સ્વચ્છતાલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે.

યુનાઇટેડ નેશન્સે જણાવ્યું હતું કે, કુલ વસ્તીના 55 ટકા જેટલા એટલે કે અંદાજે 23 મિલિયન લોકો ગંભીર ભૂખમરાની સ્થિતિમાં છે. જ્યારે 9 મિલિયન જેટલા લોકો શિયાળાની સાથે દુષ્કાળનું જોખમ ધરાવે છે.

અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી સેના પરત ખેંચી લેતા અને પશ્ચિમિ દેશોના સમર્થનથી સરકાર પડી ભાંગતા ઓગસ્ટમાં તાલિબાનોએ સત્તા પર કબજો જમાવ્યા પછી દેશમાં આર્થિક કટોકટી વધી હતી.