ભારતમાં હાલમાં વકરેલા કોરોના વાઈરસનાં “ડબલ મ્યૂટન્ટ” સ્ટ્રેઈન્સ (બેવડાં જનીનિક પરિવર્તન)નો પ્રથમ કેસ અમેરિકાનાં સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં નોંધાયો છે. સ્ટાન્ફોર્ડ હેલ્થ કેસ ક્લીનિકલ વાયરોલોજી લેબોરેટરીમાં દર્દીના નિદાનમાં “ડબલ મ્યૂટન્ટ” સ્ટ્રેઈન મળી આવ્યું છે.

અમેરિકામાં દરરોજ 3 મિલિયનથી વધુ લોકોના રસીકરણની વ્યાપક ઝડપી ઝુંબેશના પગલે લોકોમાં જનમેલા નિરાંતભાવથી નિયંત્રણો પરત્વેની ઉદાસીનતા તથા કોરોના ઝડપથી પ્રસરતા નવા સ્ટ્રેઈન અંગે ચિંતા દિનપ્રતિદિન વધી રહી છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના ચેપીરોગોના નિષ્ણાત પીટર ચીન-હોંગે જણાવ્યું હતું કે, કોરોનાના નવા ભારતીય સ્ટ્રેઈનમાં પહેલી વખત એક જ વાઇરસમાં બે જનીનિક પરિવર્તન એક સાથે જોવા મળે છે, જે અગાઉ અલગ અલગ સ્વરૂપમાં જોવાતા હતા. અમેરિકામાં છેલ્લા થોડા સપ્તાહોમાં દરરોજ નોંધાતા કેસોમાં ઉછાળા માટે કોરોનાનું આ નવું સ્વરૂપ જવાબદાર મનાય છે.

15 ફેબ્રુઆરીના 9100 કેસ ચોથી એપ્રિલે વધીને 103,000 થઇ ગયા હતા. સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) દ્વારા કોરોનાના વિભિન્ન સ્ટ્રેઈન્સ ઉપર નજર રખાઇ રહી છે, જે અંતર્ગત ગત ડિસેમ્બરથી બી.1.1. (યુ.કે.) બી.1.351 (દક્ષિણ આફ્રિકા), પી.1 (બ્રાઝિલ) કોરોના સ્ટ્રેઈન્સ પછી હવે માર્ચમાં જે બે નવા સ્વરૂપો ઉમેરાયા તે બી.1.427 અને બી.1.429 છે.