પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વિશ્વના ઇકોનોમી પાવરહાઉસ ગણાતા અમેરિકાના અર્થતંત્રમાં એપ્રિલ-જૂન દરમિયાન સતત બીજા ક્વાર્ટર ઘટાડો થયો છે, એમ ગુરુવારે સરકારી ડેટામાં જણાવાયું હતું. સતત બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં ઘટાડાને પગલે મંદીનો ભય વધુ ઘેરો બન્યો હતો. 43 વર્ષમાં સૌથી વધુ મોંઘવારીને ડામવા માટે ફેડ દ્વારા અપનાવવામાં આવેલ કડક નીતિને આ નકારાત્મક વૃદ્ધિદર માટે જવાબદાર ગણવામાં આવે છે.

ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 0.9 ટકા ઘટાડો થયો હતો. વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં પણ જીડીપીમાં મોટો ઘટાડો થયો હતો, એમ કોમર્સ વિભાગના ડેટામાં જણાવાયું હતું. સતત બે ક્વાર્ટર સુધી નેગેટિવ ગ્રોથ સ્પષ્ટ સંકેત આપે છે કે મંદી આવી શકે છે. જો વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી આવશે તો તેની વૈશ્વિક અસરો થશે.

કોમર્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર એપ્રિલ-જૂનના ત્રિમાસિકગાળામાં અમેરિકાના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં વાર્ષિક ધોરણે 0.9%નો ઘટાડો થયો હતો, જે વર્ષના પ્રથમ ત્રણ મહિનાના 1.6% ઘટાડા સાથે સતત બીજો ત્રિમાસિક ઘટાડો દર્શાવે છે. કોરોના મહામારીને કારણે 2020માં સંપૂર્ણપણે ઠપ્પ પડેલ અર્થતંત્ર બાદનો આ સૌથી મોટો ઘટાડો હતો.
સતત બે ક્વાર્ટરના જીડીપી વૃદ્ધિદરના નકારાત્મક આંકડાને ‘ટેકનિકલ મંદી’ ગણવામાં આવે છે. આ વ્યાખ્યા વિશ્વભરમાં સ્વીકૃત છે, પરંતુ અમેરિકા સામાન્ય રીતે આ વ્યાખ્યાને સ્વીકારતું નથી. તેને સ્થાને તેઓ નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચના ડેટા અને રિસર્ચને અનુસરે છે, જે વિવિધ પરિબળો પર આધારિત છે.