Getty Images

પ્રમુખ ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટીક હરીફ જો બિડેન ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં એકબીજા સામે આક્રમક બન્યા છે. રાષ્ટ્રીય સર્વેક્ષણમાં બિડેનથી પાછળ રહેલા ટ્રમ્પે તેમના હરીફને અર્થતંત્ર માટે ખતરાજનક, મંદબુદ્ધિના, નીરસ અને મૂર્ખ ગણાવ્યા હતા. જ્યારે બિડેને નિવૃત્ત જવાનો પરત્વે ટ્રમ્પના અપમાનજનક વ્યવહારનો મુદ્દો ઉઠાવ્યો હતો.

વ્હાઈટ હાઉસ ખાતે અખબારી પરિષદમાં પ્રમુખ ટ્રમ્પે બિડેન અને તેમના સાથી કમલા હેરિસને યુએસ કોંગ્રેસમાં સૌથી વધુ લીબરલ ગણાવતા ઉમેર્યું હતું કે, તેમના (ટ્રમ્પ) મતે બિડેન બિનકાર્યદક્ષ વ્યક્તિ છે જે દેશ અને અર્થતંત્રનો નાશ કરશે. બિડેનને મંદબુદ્ધિના, નિરસ અને મૂર્ખ ગણાવતા ટ્રમ્પે જવાનો અંગેના તેમને લગતા એટલાન્ટિક અહેવાલને નિરર્થક ગણાવી પોતાનો બચાવ કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે, લશ્કરને સમર્પિત જવાનો અને લશ્કર માટે માન ના હોય તેવું કાંઇ છે જ નહીં.

ચૂંટણી જંગના મેદાનરૂપ પેન્સિવેનિયામાં બિડેને પ્રમુખ ટ્રમ્પની કથિત ટીપ્પણીને ટાંકીને ડેલાવેર નેશનલ ગાર્ડ તરીકે ઇરાકમાં સેવા કરનારા તેમના (બિડેન) પુત્ર બીયુ બિડેનનો ઉલ્લેખ કર્યો હતો. 2015માં બ્રેઇન કેન્સરથી મૃત્યુ પામેલા બી.યુ. બિડેન પરાજિત યોદ્ધા નહોતા, તેની યાદ અપાવતા બિડેને કહ્યું હતું કે તેમના પુત્રે યુદ્ધના મેદાનના હીરો સાથે ફરજ બજાવી હતી.

બિડેનની પેન્સિલવેનિયાની મુલાકાતની સાથે જ ટ્રમ્પ અને બિડેનના ચૂંટણી પ્રવાસો વધુ ને વધુ ઝડપી અને નિર્ણાયક બનવા લાગ્યા છે. ત્રીજી નવેમ્બરની ચૂંટણી આડે 60 દિવસ બાકી રહ્યા છે અને કેટલાક ઓપિનિયન પોલમાં હવે પછીનો ચૂંટણી જંગ રસાકસીભર્યો રહેવાનું દર્શાવાયું છે.

તાજેતરના મહિનાઓમાં પોલીસ દમનથી જાગેલા વંશીય વિરોધ અને કોરોનાના રોગચાળા વચ્ચે બિડેન તેમના રીપબ્લિકન હરીફ હકીકત – વાસ્તવિકતા વિહોણા દર્શાવી કામદાર વર્ગને પાછળ છોડી અંધાધૂંધી ઉપર મદાર રાખનારા ગણાવી રહ્યા છે. વંશીય ધ્રુવીકરણ, કાયદો અને વ્યવસ્થા જેવા મુદ્દે પોતાની છાપ અને વ્યવસ્થા જેવા મુદ્દે પોતાની છાપ અને પ્રચાર બદલવા મથતા ટ્રમ્પ પેન્સિલવેનિયા, વિસ્કોન્સીન અને મિશિગન જેવા રાજ્યોમાં પોતાનો પાયો વધુ મજબૂત બનાવી નવા સમર્થકો મેળવવાનો ઇરાદો ધરાવે છે.જો બિડેન પેન્સિલવેનિયાના પાટનગર હેરિસબર્ગમાં કામદાર સંગઠનોના નેતાઓને મળ્યા હતા. કામદાર સંગઠનોના સૌથી મોટા મહામંડળના પ્રમુખ રીચાર્ડ ટુમ્કા અને બિડેને વર્ચ્યુઅલ વાતચીત પણ કરી હતી. બિડેન અગાઉ યુએસ મિલિટ્રીમાં સેવારત યુનિયન મેમ્બરોને પણ મળ્યા હતા.

બિડેને અમેરિકાના ઇતિહાસના “સૌથી વધારે મજબૂત કામદારલક્ષી પ્રમુખ” બનવાનું વચન આપતા તેવી પ્રતિજ્ઞા કરી હતી કે કામદાર સંગઠનમાં વેતન મામલે એક્ઝીક્યુટીવ્ઝની દરમિયાનગીરી વખતે એક્ઝીક્યુટીવ્ઝને પણ જવાબ આપવાની ફરજ પડશે. સામા પક્ષે ટ્રમ્પે જણાવ્યું હતું કે જો બિડેન પ્રમુખ બનશે તો ડેમોક્રેટ્સ કોરોના સામે લડવા બીજું ઇકોનોમિક શટડાઉન લાવશે. ચાઇના વાઇરસ માટે બિડેનની યોજના સમગ્ર અર્થતંત્રની તાળાબંધીની છે.

પ્રમુખ ટ્રમ્પ સપ્તાહ દરમિયાન ઉત્તર કેરોલાઈના, ફલોરિડા મિશિગન અને પેનેસ્વેલિયાની મુલાકાત લેવાના છે. આ રાજ્યો બંને ઉમેદવારોની વિજયની તકો માટે નિર્ણાયક મનાય છે. 2016માં ટ્રમ્પને નજીવી સરસાઇથી જીતાડનાર પેન્સિલવેનિયામાં બિડેનને હંમેશથી સરસાઇ મળતી રહી હોવા છતાં જૂનમાં બિડેનની આઠ ટકાની સરસાઇમાં અત્યારે ઘટીને 4થી 5 ટકા રહી છે.