અમેરિકન સિટિઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસ સામે ૩૦ સપ્ટેમ્બર પહેલાં 2.80 લાખ ગ્રીનકાર્ડ ઈસ્યુ કરવાનો પડકાર ઊભો થયો છે. નાણાકીય વર્ષ પૂરું થાય તે અગાઉ આ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવો જરૂરી છે.
અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડેને માર્ચ મહિનામાં ઈમિગ્રેશન એજન્સીને ગ્રીનકાર્ડ સંબંધિત તમામ અરજીઓનો નિકાલ કરવા જણાવ્યું હતું. એક અંદાજ મુજબ 2.80 લાખ અરજીઓ પેન્ડિંગ છે. કોરોના મહામારીના કારણે રોજગાર આધારિત ગ્રીનકાર્ડની અરજીઓનો નિકાલ થયો ન હતો, હવે તેનો નિકાલ કરવાનું ભારણ વધ્યું છે.
અમેરિકન ઈમિગ્રેશન એજન્સી પાસે એપ્રિલ માસમાં ઈન્ટરવ્યૂ માટે 4.21 લાખ અરજીઓ પેન્ડિંગ હતી. એમાંથી છેલ્લા તબક્કામાં પહોંચેલી અરજીઓની સંખ્યા 2.80 લાખ જેટલી થાય છે. અત્યારે અમેરિકન ઈમિગ્રેશન સર્વિસ એજન્સી ગત વર્ષે સપ્તાહમાં જેટલી અરજીનો નિકાલ કરતી હતી એનાથી બમણી અરજીઓનો નિકાલ કરી રહી છે. મે-2022માં અમેરિકન એજન્સીઓએ 1.49 લાખ વિઝા અરજીની પ્રક્રિયા હાથ ધરી હતી.
અમેરિકાના આંકડાં પ્રમાણે લગભગ 14 લાખ વિદેશી નાગરિકો અમેરિકન ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. એમાંથી બહુ ઓછાને ગ્રીન કાર્ડ મળે છે. ગત વર્ષે અમેરિકાએ 1.80 લાખ ગ્રીન કાર્ડ ઇસ્યુ કર્યા હતા. આ વર્ષે ઈમિગ્રેશન એજન્સીમાં ગ્રીન કાર્ડ માટે સરેરાશ વેઈટિંગ ટાઈમ ત્રણ વર્ષનો છે. એટલે કે અરજી કર્યા પછી ત્રણ વર્ષે તે અરજીની પ્રક્રિયા શરૂ થાય છે.