ભારતની નરેન્દ્ર મોદી સરકાર નિકાસ વધારવા અને આયાત ઘટાડવા ઇચ્છે છે, વિશેષમાં ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા પ્રયત્ન કરી રહી છે. આ પ્રયત્નોમાં ભારતથી નિકાસમાં અમેરિકા મોખરે છે. નાણાકીય વર્ષ 2021-22માં અમેરિકા ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર તરીકે ઊભરી આવ્યું છે. અમેરિકાએ ચીનને છોડીને ભારતમાંથી સૌથી વધુ આયાત કરી છે.
કોમર્સ મંત્રાલયના આંકડા મુજબ 2021-22માં અમેરિકા અને ભારતનો દ્વિપક્ષીય વેપાર વધીને 119.42 બિલિયન ડોલર થયો છે. એક વર્ષ અગાઉ 2020-21માં આ આંકડો 80.51 બિલિયન ડોલર હતો. આ અધિકૃત આંકડા અનુસાર 2021-22માં યુએસમાં ભારતની નિકાસ વધીને 76.11 બિલિયન ડોલર થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં 51.62 બિલિયન ડોલર હતી. સામે પક્ષે આ સમયગાળા દરમિયાન યુએસથી ભારતની આયાત વધીને 43.31 બિલિયન ડોલર થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં 29 બિલિયન ડોલર હતી.સરકારી આંકડા મુજબ 2021-22માં ભારત-ચીનનો દ્વિપક્ષીય વેપાર 115.42 બિલિયન ડોલર હતો, જે 2020-21માં 86.4 બિલિયન ડોલર હતો. નાણાકીય વર્ષ દરમિયાન ચીનને ભારતની નિકાસ 2020-21માં 21.18 બિલિયન ડોલરથી થોડો વધીને 21.25 બિલિયન ડોલર થઈ છે. સામે પક્ષે ગત વર્ષે ચીનથી ભારતની આયાત વધીને વાર્ષિક 65.21 ડોલરથી વધીને 94.16 બિલિયન ડોલર થઈ છે. ભારતની આયાત વધતા નાણાકીય વર્ષ દરમિયાન ચીન સાથે ભારતની વેપાર ખાધ 2020-21માં 44 બિલિયન ડોલરથી વધીને 72.91 બિલિયન ડોલર થઈ છે.
અંદાજે 140 કરોડની વસ્તી સાથે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ગ્રાહક બજાર છે. ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને કારણે અમેરિકા અને ભારતની કંપનીઓ પાસે ટેક્નોલોજી ટ્રાન્સફર, મેન્યુફેક્ચરિંગ, વેપાર અને રોકાણ માટે ઘણી તકો છે. ભારત મુખ્યત્વે પેટ્રોલિયમ ઉત્પાદનો, પોલિશ્ડ હીરા, ફાર્મા ઉત્પાદનો, જ્વેલરી, હળવા તેલ વગેરેની અમેરિકામાં નિકાસ કરે છે. તે જ સમયે ભારત અમેરિકાથી પેટ્રોલિયમ પેદાશો, લિક્વિડ કુદરતી ગેસ, સોનુ, કોલસો અને બદામની આયાત કરે છે.