યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝે ધ્વની મત દ્વારા ભારતના હિતમાં એક કાયદાકીય સુધારો પસાર કર્યો છે, જે અંતર્ગત ચીન જેવા દેશોના હુમલાને રોકવામાં રશિયા પાસેથી S-400 મિસાઇલ ડીફેન્સ સીસ્ટમની ખરીદી માટેના શિક્ષાત્મક CAATSA પ્રતિબંધોથી ભારતને મુક્ત રાખે છે.
નેશનલ ડીફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ (NDAA) પર હાઉસમાં વિચારણા દરમિયાન સુધારાના ભાગરૂપે ગુરુવારે કાયદાકીય સુધારો પસાર કરવામાં આવ્યો હતો.
ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રો ખન્ના દ્વારા લિખિત અને રજૂ કરવામાં આવેલા, આ સુધારા વિધેયકમાં બાઇડેન એડમિનિસ્ટ્રેશનને વિનંતી કરવામાં આવી છે કે તે ચીન જેવા હુમલાખોરોથી રોકવામાં મદદ માટે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ (CAATSA) દ્વારા ભારતને માફી આપવા માટે તેમની સત્તાનો ઉપયોગ કરે.
CAATSA અમેરિકાનો એવો સખત કાયદો છે જે, 2014માં ક્રિમીયાના રશિયાના જોડાણ અને 2016ની અમેરિકન પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં તેની કથિત દખલગીરીના જવાબમાં રશિયા પાસેથી મોટા સંરક્ષણ સાધનો ખરીદનારા દેશો પર પ્રતિબંધો લાદવા માટે અમેરિકન એડમિનિસ્ટ્રેશનને સત્તા આપે છે.
કેલિફોર્નિયાના 17મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટના યુએસ રીપ્રેઝન્ટટેટિવ રો ખન્નાએ જણાવ્યું હતું કે, ચીન તરફથી વધતી દાદગીરીનો સામનો કરવા અમેરિકાએ ભારતની સાથે ઊભું રહેવું જોઈએ. ઈન્ડિયા કૌકસના વાઇસ ચેર તરીકે, હું આપણા દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવા અને ચીનની સરહદે ભારત પોતાને સુરક્ષિત રાખી શકે તે સુનિશ્ચિત કરવા માટે કાર્યરત છું.’
ખન્નાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આ સુધારો ખૂબ જ મહત્વ ધરાવે છે, અને તેને હાઉસમાં દ્વિપક્ષીય આધારે પસાર થતો જોઈને હું ગૌરવ અનુભવું છું.’ આ કાયદો 2017માં લાવવામાં આવ્યો હતો અને તેમાં રશિયન સંરક્ષણ અને ગુપ્તચર ક્ષેત્રો સાથે સંકળાયેલા કોઈપણ દેશ સામે યુએસ સરકાર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરી શકાય છે.
ઓક્ટોબર 2018માં, ભારતે S-400 એર ડીફેન્સ મિસાઇલ સીસ્ટમ્સના પાંચ યુનિટ ખરીદવા માટે રશિયા સાથે 5 બિલિયન ડોલરનો કરાર કર્યા હતા, તે સમયે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ચેતવણી હોવા છતાં કે આ કરાર કરવાથી અમેરિકાના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. રશિયાની આ S-400 મિસાઈલ ડીફેન્સ સીસ્ટમ સૌથી આધુનિક અને જમીનથી લાંબા અંતર સુધી હવામાં પ્રહાર કરવા માટે જાણીતી છે. રશિયા પાસેથી આ મિસાઇલ ખરીદવા બદલ અમેરિકાએ અગાઉ તુર્કી પર આવો પ્રધિબંધ લાદ્યો હતો.